ગાંધીધામ, તા. 13 : ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં
લોકોને પીવાનું પાણી મળતું નથી અને ખાનગી રાહે ગેરકાયદે કનેક્શન લઈને પાણીનાં ટેન્કરો
વેચવામાં આવતા હોવાની ફરિયાદોનાં પગલે કોંગ્રેસે કાર્ગોમાં રેડ પાડીને પાણી પુરવઠા
બોર્ડની લાઈનમાંથી ગેરકાયદે લેવામાં આવેલું કનેક્શન પકડી પાડયું હતું. કોંગ્રેસે આ
પાણી ચોરી પકડતાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સ્થળ ઉપર જોડાણ કાપવા પહોંચ્યા હતા.
કાર્ગો વિસ્તારમાં લાંબા સમયથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો હતી. લોકો અનેક
વખત મહાનગરપાલિકાની કચેરીએ પણ રજૂઆત કરવા આવ્યા હતા તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
અહીં ગેરકાયદે પાણીનું જોડાણ લઈને પાણીનાં ટેન્કરો વેચવામાં આવતાં હતાં. લોકોએ આ બાબતે
કોંગ્રેસનું ધ્યાન દોર્યું હતું તેનાં પગલે કોંગ્રેસના નેતાઓ કાર્ગો વિસ્તારમાં પહોંચ્યા
હતા અને પાણી પુરવઠા બોર્ડની લાઈનમાંથી ગેરકાયદે લીધેલું જોડાણ પકડી પાડયું હતું. આ
અંગે ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી લોકોને ન મળતું હોવાની ફરિયાદો
હતી, જેના પગલે કોંગ્રેસના નેતાઓ દ્વારા અહીં રેડ પાડીને ગેરકાયદે
બનાવેલા વાડાની અંદરની ઓરડીમાંથી પાણી પુરવઠા બોર્ડની લાઈનમાંથી લીધેલું કનેક્શન મળી
આવ્યું હતું. અહીંથી પાણીનાં ટેન્કરો વેચવાનો ધીકતો ધંધો કરવામાં આવતો હતો. કોંગ્રેસે
તેનો પર્દાફાસ કર્યો હતો. લોકો બુંદબુંદ પાણી માટે તરસી રહ્યા હતા અને અહીં પાણી પુરવઠા
બોર્ડની પીવાનાં પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદે જોડાણ લઈને પાણીનો ધંધો કરવામાં આવતો
હતો. કોંગ્રેસે આ પાણી ચોરી પકડતાં પાણી પુરવઠા
બોર્ડના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને અધિકારીઓ અહીં મુખ્ય લાઈનમાંથી લેવાયેલું પાણીનું
જોડાણ કાપવા આવ્યા હતા. અગાઉ કચ્છમિત્ર દ્વારા પીવાનાં પાણીની લાઈનોમાંથી ગેરકાયદે
પાણીનાં જોડાણો લેવામાં આવ્યાં હોવાનો અહેવાલ અપાયો હતો. હજુ પણ જોડિયા શહેરોમાં અને
ગ્રામીણ વિસ્તારમાં સરકારી લાઈનોમાંથી ગેરકાયદે કનેક્શન લેવાયેલાં છે તેની ઉપર પણ કાર્યવાહી
કરવી જરૂરી છે. મહાનગરપાલિકાને ટેક્સ ભરપાઈ કરતા લોકોને બુંદ બુંદ પાણી માટે તરસવું
પડે છે અને અમુક લોકો ગેરકાયદે જોડાણો લઈને પાણીનો ધંધો કરી રહ્યા છે. કોંગ્રેસ ગેરકાયદે
લેવાયેલા જોડાણો પકડી પાડે છે, તો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને
આ જોડાણો કેમ દેખાતાં નથી તેવા ગંભીર સવાલ લોકો પૂછી રહ્યા છે.