ભુજ, તા. 13 : અહીંની પંચમુખા હનુમાન શેરી
(ગંગા ભુવન) વાર્ડ નં.-5, અર્થક્વેક
ઝોન-6માં આવેલી જર્જરિત ત્રણ માળની ઇમારતમાં
બીમમાંથી પથ્થર પડયા હોવાની ઘટના બનતાં સ્થાનિકો દ્વારા અનિચ્છનીય બનાવની ભીતિ વ્યક્ત
કરાઇ હતી અને સત્વરે યોગ્ય પગલાંની માંગ કરાઇ હતી. ભૂકંપથી જર્જરિત થયેલાં અનેક મકાનો
આજે પણ જોખમરૂપ છે. દીવાલોમાં પડેલી તિરાડો અને નબળી પડેલી માળખાંકીય સ્થિતિને કારણે
કોઇ પણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ભૂકંપના આંચકા કે વરસાદી પવનને કારણે
અણધાર્યું નુકસાન થઇ શકે તેમ છે. પંચમુખા હનુમાન શેરીમાં આવેલી એક ઇમારતના બીમમાંથી
પથ્થર પડયા હોવાના બનાવ બાદ સ્થાનિકોમાં ભયની સ્થિતિ વ્યાપી રહી છે. સદ્ભાગ્યે કોઇ
હાનિ પહોંચી નહોતી. તંત્ર દ્વારા યોગ્ય સર્વેક્ષણ કરી સમયસર જરૂરી પગલાં લેવાય તે અત્યંત
જરૂરી બની ગયું છે. સમયસર મરંમત તથા સુરક્ષા
માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ નહીં ધરાય, તો અણધારી ઘટના બનાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રહેવાસીઓ સાથે રસ્તા પરથી
પસાર થતા લોકો માટે પણ આ જોખમરૂપ હોવાનું જણાવાયું હતું.