• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ખાંભલા ગામમાં વાંકોલ માતાજી મંદિરે વર્ષો જૂની પતરીની પરંપરા યોજાઇ

ભુજ, તા. 22 : નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે વાંકોલ માતાજીના મંદિરે પ્રતિ વરસે જેઠ સુદ 14ના યોજાતા પાટોત્સવ પ્રસંગે પેડ, ભજન, સંતવાણી, ઘોર, સત્સંગ સહિત યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ચોમાસામાં વરસાદનો વરતારો કેવો રહેશે તે અંગે પતરી લેવામાં આવે છે. પરંપરાગત યોજાતો વાર્ષિક ઉત્સવ પ્રસંગે યોજાતી જાતર રાબેતા મુજબ યોજાઇ હતી. પતરીના બોલમાં આ વરસના ચોમાસામાં શ્રીકાર વરસાદ થવાના એંધાણ મળ્યા હતા. ઉમટેલા ભાવિકોનો વિશાળ સમુદાયમાં આનંદની લહેર ફરી વળી હતી. પાંચ સદીઓ પૂર્વેના વિરાત્રા (રાજ)થી સોભ્રમભોપાએ સ્થાપીત કરેલા વાંકોલ માતાજી સ્થાનકે પૂજારી ભોપા લાખા ભોપાના સાંનિધ્યમાં યોજાયેલ પાટોત્સવમાં સમસ્ત રબારી સમાજના દુર દુરથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. ખટલાધામ ખાંભલા સ્થાનકે રાજસ્થાનના વાંકોલ માતાજીનું સ્થાનક છે તેવું જ માતાજીના ભાવિક ભક્તો દ્વારા રૂા. બે કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરાશે અને  વિહોતેર રબારી સમાજનું પ્રથમ આસ્થાનું કેન્દ્ર બનશે તેવું વડવા ભોપાના જેશા ભોપાએ આશીર્વચનમાં જણાવ્યું હતું. જ્યારે માકપટ રબારી સમાજના પ્રમુખ ખેંગારભાઇએ સમાજના વ્યાપિત અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસનોને તિલાંજલિ આપી સુદ્રઢ તંદુરસ્ત સમાજના નિર્માણ તરફ આગળ વધવા અને શિક્ષણનો વ્યાપ વધારી સમાજમાં સંપ, સંગઠન મજબુત કરવા જણાવ્યું હતું. ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને આ સ્થાનિકના વિકાસના કામો માટે આપેલ ગ્રાન્ટ, સહયોગ બદલ સન્માનીત કરાયા હતા. પ્રતિભાવ આપતા ધારાસભ્યએ સ્થાનકના વિકાસ માટે જરૂર પડે કામો કરવા તૈયારી બતાવી હતી પેના ભોપા (ઉલટ) રાણા ભોપા (વડવા) જેશા ભોપા, ભજુ ભોપા, હીરા ભોપા, મેરૂ ભોપા, વેરશી ભોપા, રાજા ભોપા, જગા ભોપા, પાલા ભોપા સહિતના પૂજારીઓ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang