• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ગામના વડીલોની કોઠાસૂઝ અને મહેનત થકી બનેલી મોટા ભાડિયાની ગૌશાળા વટવૃક્ષ સમાન

મોટા ભાડિયા/કોડાય (તા. માંડવી), તા. 10 : તાલુકાનાં મોટા ભાડિયા ગામે ગૌશાળામાં દાતાઓના મુખ્ય સહયોગ અને ગામના નાનામાં નાના માણસના યથાશક્તિ યોગદાન થકી બનાવાયેલા નૂતન શેડ (ગૌમંદિર)નો આગામી 16મી જૂને રવિવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. મોટા ભાડિયા ખાતે આજથી ચાર દાયકા અગાઉ ગ્રામજનો અને ભજન મંડળી દ્વારા વિશ્રામભાઈ બાનાયતની આગેવાનીમાં ગૌશાળાની સ્થાપના કરવામાં આવી હતી, ગામના વડીલોની કોઠાસૂઝ અને મહેનતના પરિણામે હાલ ગૌશાળા વટવૃક્ષ સમાન ઊભી  છે. 2012માં અદ્યતન ગૌશાળાનું નિર્માણ દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થયું હતું. હાલે ગૌશાળામાં ટાઢ, તડકો કે વરસાદમાં પણ ગાયો સારી રીતે ચારો ખાઈ શકે એવા આશયથી નૂતન શેડ (ગૌમંદિર)નું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્ય દાતાઓ સ્વ. રામભાઈ કરમણભાઈ ગીલવા હસ્તે. દેવશ્રીબેન રામભાઈ ગીલવા, પ્રભુભાઈ રામભાઈ ગીલવા પરિવાર તેમજ સ્વ. કરશનભાઈ મોમાયાભાઈ બાનાયત હસ્તે. વાલજીભાઈ કરશનભાઈ બાનાયત (દાદર-મુંબઈ)નો મુખ્ય આર્થિક સહયોગ તેમજ ગ્રામજનોના યથાશક્તિ યોગદાન થકી ભવ્ય શેડો (ગૌમંદિર)નું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગીરથ કાર્યમાં ગામના નાનામાં નાના માણસનો પણ સહયોગ મળ્યો છે અને ગામની એકતા અને સંપના પરિણામે નૂતન શેડો (ગૌમંદિર)નું નિર્માણ શક્ય બન્યું છે. કાર્યક્રમનું આયોજન વિષ્ણુ સમાજ મોટા ભાડિયા અને મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. સવારે આઠથી 12 કલાકે ગૌયજ્ઞ જેના આચાર્ય કશ્યપભાઈ શાસ્ત્રી રહેશે, સવારે નવ કલાકે દાતાઓ, માતાજીઓ, ઉપસ્થિત મહેમાનોના હસ્તે લોકાર્પણ, 10 કલાકે દાતાઓનું સન્માન, 11 કલાકે ગૌગાથા જેના વક્તાઓ કશ્યપભાઈ શાસ્ત્રી, ભીમસેનભાઈ શાસ્ત્રી, માવજીભાઈ બારૈયા, બપોરે 12 કલાકે મહાપ્રસાદ, બપોરે ત્રણ કલાકે ધર્મસભા યોજાશે, જેના વક્તાઓ ચારણ મહાત્મા પાલુ ભગત (કાળીપાટ), લાખણશીભાઈ ગઢવી (લોક સાહિત્યકાર, જૂનાગઢ), ડાયાભાઇ ગઢવી (મોટી ખાખર), અરજણભાઈ બાનાયત તેમજ સાંજે આઠ કલાકે મહાપ્રસાદ યોજાશે, બપોરે તથા સાંજે મહાપ્રસાદ મોટા ભાડિયા વિષ્ણુ સમાજ દ્વારા તેમજ મહાપ્રસાદના અન્ય દાતાઓ પ્રભુભાઈ રામભાઈ ગીલવા (મોટી ખાખર), વાલજીભાઈ કરશનભાઇ બાનાયત (દાદર-મુંબઈ), રામભાઈ આલાભાઈ વિધાણી (મુંબઈ) રહ્યા છે તેમજ રાત્રે ગૌશાળાના લાભાર્થે સંતવાણી અને લોકડાયરો યોજાશે, જેમાં દેવરાજભાઈ ગઢવી (નાનોડેરો), રાજભા ગઢવી (લોક સાહિત્યકાર, જૂનાગઢ), હરિભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી રસલ્હાણ પીરસશે. અવસરે કચ્છ, સૌરાષ્ટ્રમાંથી સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમા સર્વે ગૌભક્તોને ઉપસ્થિત રહેવા સમિતિ દ્વારા જણાવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પચાણભાઈ દાદાભાઈ મૌવરની આગેવાની હેઠળ સર્વે ગ્રામજનો, વડીલો, યુવાનો જહેમત ઊઠાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang