ભુજ, તા. 10 : આકરી ગરમીના દોર વચ્ચે કચ્છમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિ?વેગીલી બની રહી છે. જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવવા સાથે ભચાઉ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધોધમાર ઝડી વરસી હતી. ભુજ અને અંજાર તાલુકામાં ભારે પવન ફૂંકાતાં ધૂળની ડમરી ઊડી હતી. અંજારના નવાગામમાં વૃક્ષ ધરાશાયી થતાં નીચે એક માલવાહક ટેમ્પો દબાઇ ગયો હતો. ભચાઉના અહેવાલ અનુસાર સાંજે છ વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળની ડમરી ઊડાવતો પવન ફૂંકાયા બાદ વરસાદનું જોરદાર ઝાપટું પડતાં રસ્તા પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. આ ઝડીનું જોર એટલું હતું કે, થોડા સમય માટે અમુક અંતર સુધીનું દૃશ્ય જોવું મુશ્કેલ બન્યું હતું. મોરગર, કરમરિયા, મોટી ચીરઇ, શિકરા સહિતના ગામોમાં પણ ભારે ઝાપટાં પડતાં વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. દુધઇના અહેવાલ અનુસાર અંજાર તાલુકાના દુધઇ પંથકમાં બિપોરજોય વાવાઝોડાની યાદ અપાવતો પવન ફૂંકાયો હતો. નવાગામથી કુણાલ ગોસ્વામીએ જણાવ્યું કે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં છ વાગ્યાની આસપાસે તેજ પવન ફૂંકાતાં નવાગામ પાટિયા (હાઇવે) પર હોટલ પાસે માલવાહક વાહન ઉપર લીમડાનું ઝાડ પડતાં પીકઅપ ગાડીને નુકસાન થયું હતું. કોટડા-નવાગામ હાઇવે પર શ્રીહરિ વે-બ્રિજના પતરાં ઊડી ગયા હતા. ઠેકઠેકાણે પતરાં અને ઝાડ પડવાના સમાચાર મળ્યા હતા. જૂની દુધઇથી નવી દુધઇ રસ્તા પર બાવળની ઝાડીઓ રસ્તાઓ ઉપર આવી જતાં રસ્તો થોડા સમય માટે બ્લોક થઇ ગયો હતો. ભારે પવનને લીધે દ્વિચક્રી વાહનો-રાહદારીઓ પરેશાન થયા હતા. આ મિની વાવાઝોડું 15થી 20 મિનિટ ચાલતાં દુકાનો અને ઘરોમાં ધૂળની ડમરી ભરાઇ ગઇ હતી. આ તરફ ભુજના મખણા તેમજ અંજારના કોટડા (ચાંદ્રાણી) સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાતાં થોડા સમય માટે વ્યાપક પ્રમાણમાં ધૂળની ડમરી ઊડી હતી.