• શનિવાર, 20 એપ્રિલ, 2024

કેનાલ આધારિત પેયજળની યોજનાઓ શરૂ કરાશે

ભુજ, તા. 26 : આજે કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ `કચ્છમિત્ર'ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે કચ્છમાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં પીવાનાં પાણીની ક્યાંય સમસ્યા નહીં સર્જાય એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને કેનાલ આધારિત યોજનાઓમાંથી પીવાનું પાણી મળી રહે તે જાતનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. તેમણે પાણી પુરવઠા હસ્તકની જુદી-જુદી યોજનાઓની મુલાકાત લીધી હતી. મોથાળા ખાતે નર્મદાના હેડવર્કસની મુલાકાત લઈ તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીએ જણાવ્યું કે, જે-જે હયાત યોજનાઓ છે તેમાં સુધારણા કરવામાં આવી રહી છે. અહે તેમણે સુથરી જૂથ યોજના હેઠળના સુધરણાના કામો જે મંજૂર કરવામાં આવ્યાં છે તેનું નિરીક્ષણ કરતાં કહ્યું હતું કે, જે પણ કોઈ અધૂરાશ છે તે પૂર્ણ કરી પીવાનાં પાણીની કોઈ ફરિયાદ ન આવે તેના પર ધ્યાન આપવામાં આવે છે. એક સવાલના જવાબમાં કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાનું પાણી મોડું-વહેલું પહોંચે, પરંતુ સ્થાનિક ડેપોની જે કેનાલો છે એ કેનાલના આધારે યોજના બનાવી કેનાલમાંથી પાણી ઉપાડી હેડવર્કસમાં પાણી નાખી પીવાનું પાણી વિતરણ કરવાનું પણ માળખું ગોઠવવામાં આવે છે. કેમ કે પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગ બન્ને પોતાની પાસે હોવાથી ઝડપથી નિર્ણય લઈ શકાય છે. કચ્છ સૌથી મોટો જિલ્લો છે અને દૂરનાં ગામોમાં આજે પણ પાણીની ફરિયાદ છે. આ સવાલ સામે તેમણે કહ્યું કે એટલે જ તે વિસ્તારની હયાત યોજનાઓની સુધારણા કરવામાં આવે છે. લખપતનાં ગામોમાં ઘરોમાં નળ છે, પરંતુ નળથી જળની યોજના નિષ્ફળ છે. આ સવાલ સામે તેમણે કહ્યું કે, ક્યાંક ત્યાંના સ્થાનિક સોર્સમાં મુશ્કેલી હશે અથવા સોર્સ સુકાઈ ગયા હશે ત્યાં પાણીની કોઈ ખેંચ ન થાય તે જોવા અને નળ મારફતે ઘરો-ઘર પાણી પહોંચે તેની તકેદારી લેવા અધિકારીઓને સૂચના આપી હતી. ચોમાસું ખેંચાય તો તેને પહોંચી વળવા આગોતરું આયોજન છે ? તો  તેમણે કહ્યું કે જે મોટાં જળાશય છે ત્યાં પીવાનું પાણી અનામત રાખવા સૂચના આપી છે. મોથાળા હેડવર્કસ આધારિત અંદાજે 60 જેટલા ગામોને કનકાવતી ડેમમાંથી પાણી આપવા માટે પણ જે ખૂટતી વ્યવસ્થા છે તે તાકીદે પૂરી કરવા જણાવાયું છે. ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતાં મંત્રી શ્રી બાવળિયાએ જણાવ્યું કે નાના-મોટા ચેકડેમ બનાવવામાં આવે જે જળસંપત્તિ વિભાગ દ્વારા કામ હાથ ધરી અટલ ભુજલ યોજનામાં સાંકળી સિંચાઈની સાથે - સાથે પેયજળની વ્યવસ્થા પણ થઈ શકે તેવાં ડબલ વિકાસનાં કામો શરૂ કરવામાં આવશે. પોતાના પ્રવાસ દરમ્યાન ઘણા સ્થળે પાણીના પ્રશ્નોની રજૂઆતો આવી છે. તેમણે પાંચોટિયામાં સુજલામ-સુફલામ હેઠળ લોકભાગીદારીથી બનેલા ડેમનો દાખલો આપતાં જણાવ્યું કે અહીં સિંચાઈની સાથે પીવાનાં પાણીનો ઉપયોગ થાય છે. એટલે બે કામ એક સાથે થઈ શકે છે. આવા જો ડેમ ગામે-ગામ બની જાય તો ભવિષ્યમાં પીવાનાં પાણીની કોઈ ફરિયાદ નહીં રહે. તેમની સાથે પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર શ્રી નાગર સાથે  અધિકારીઓ જોડાયા હતા. જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇએ માંડવી, અબડાસા, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતાં વિકાસકામો તથા પાણી પુરવઠા વિભાગ હસ્તક ચાલતા કામોનું જાત નિરીક્ષણ કર્યું  હતું. મંત્રીએ પેયજળ અને સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.  માંડવી ખાતે મંત્રીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લઇને અનાજની ચકાસણી કરી હતી તથા જથ્થા અંગે જાણકારી મેળવી હતી.  ત્યારબાદ પાંચોટિયા ખાતે જનભાગીદારીથી ચાલતા તળાવના ખાણેત્રાની મુલાકાત લઇને ગ્રામ આગેવાનો સાથે આ બાબતે જાણકારી મેળવી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવેએ હાજર રહીને ગામ દ્વારા થતાં લોકભાગીદારીના કામની વિગતોથી મંત્રીને અવગત કર્યા હતા.દરમ્યાન મોથાળા ખાતે મંત્રી શ્રી બાવળિયા સમક્ષ સરપંચ વિનેક ડાભીએ મોથાળા ગામની માહિતીની ટેકનિકલ સમજણ છે તે રજૂ કરી લાઈન ટાંકામાં નીચે ઉતારવા તથા કેનાલની સફાઈનાં કામો કરાવવા જણાવ્યું હતું. સણોસરાના સરપંચ પરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, 900ની અમારી વસ્તી છે ને 10 હજાર લિટર પાણી આપવામાં આવે છે એટલે પાણીનો જથ્થો વધારવા અને નર્મદાનું જોડાણ તાત્કાલિક આપવામાં આવે તો  સમગ્ર ગામની સમસ્યા હલ થઈ શકે. જિલ્લા પંચાયત  સભ્ય પુરુષોત્તમ મારવાડાએ પણ આ વિસ્તારનાં ગામોનાં પાણીના પ્રશ્નો રજૂ કર્યા હતા. અગ્રણીઓ જયુભા જાડેજા, નરપતસિંહ સોઢા, રાયશી મહેશ્વરી, દિલીપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. અબડાસા તાલુકાના વરંડી મોટી ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત રીચાર્જ ફિલ્ટર વેલના કામની મુલાકાત લઇને લોકભાગીદારી અને ગ્રામ પંચાયત સાથે મળીને સિંચાઇના અન્ય નવા કામો થાય તે દિશામાં પ્રયાસ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. સાથે ગ્રામ પંચાયતોના જળસંચય અને પાણીને સંલગ્ન પ્રશ્નો સાંભળીને તેને ઉકેલવા ખાત્રી આપી હતી. આ ટાંકણે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા હાજર રહ્યા હતા તેમજ તેમણે સુજલામ સુફલામ યોજનાના કામો અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા.મંત્રીએ માતાના મઢ ખાતે કચ્છ ધણિયાણી મા આશાપૂરાના ચરણોમાં શીશ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.પાણી પુરવઠા મંત્રીએ નખત્રાણા પાણી પુરવઠા હેડ વર્કસ ખાતે નખત્રાણા કોમ્પલેક્ષ જૂથ સુધારણાના કામોની મુલાકાત લીધી હતી. તે સાથે ભુજ - નખત્રાણા હાઇવે પર આવેલા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લઇને અનાજની બોરીમાં વજન સહિત તેની ગુણવત્તાની ચકાસણી કરી હતી. સાથે જ અધોછની ખાતે મંજલ કોમ્પલેક્ષ જૂથ સુધારણાના કામોની મુલાકાત લીધી હતી. અધિકારીઓને સ્થાનિક કક્ષાએ સમસ્યાઓનું ઝડપી નિવારણ આવે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. મંત્રીએ પાણી પૂરવઠા ભુજના ભાગ-2 જૂથ સુધારણા યોજનાના કામોની મુલાકાત લઇને તેની પ્રગતિ અંગે જાણકારી મેળવવા સાથે નવા પાણીના સ્ત્રોતને આઈડેન્ટીફાય કરવા ઉપરાંત, અધિકારીઓ પાસેથી હાલમાં પાણીના જથ્થાની માંગ, કેટલા ગામોમાં કેવી રીતે પાણી વિતરણ કરવામાં આવે છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang