• બુધવાર, 22 મે, 2024

42.3 ડિગ્રીએ ભુજમાં આકરો તાપ : નખત્રાણા તાલુકામાં ઝાપટાં

ભુજ, તા. 14 : કચ્છમાં આકરા તાપના માહોલ વચ્ચે પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં કરા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ભુજમાં ત્રણ ડિગ્રીના વધારા સાથે મહતમ પારો 42.3 ડિગ્રીએ પહોંચતા રાજયમાં રાજકોટ પછી ભુજ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. ભુજમાં તાપમાન ઉંચકાઈને 43 ડિગ્રીની નજીક પહોંચતાં સૂર્યનારાયણ આકરા પાણેએ થયા હતા. સવારના 10 વાગ્યાથી તાપનો પ્રભાવ આકરો બન્યો હતો. અંગ દઝાડતો તાપ સાંજ સુધી યથાવત રહયો હતો.તો જિલ્લામાં વાતાવરણમાં પલ્ટાનો દોર બીજા દિવસે જારી રહયો હતો. સોમવારે પૂર્વ કચ્છમાં તોફાની પવન સાથે વરસાદ પડયા બાદ મંગળવારે નખત્રાણા તાલુકાના રવાપર-ધામાય સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં વરસતાં ગામની ગલીઓમાં પાણી વહી નિકળ્યા હતા. રવાપર ઉપરાંત નાની મોટી ધામાય, જીંજાય સહિતના ગામમાં સાંજે પાંચથી સાડા પાંચના અરસામાં કરા સાથે ભારે ઝાપટું વરસતાં ચોમાસુ માહોલ સર્જાયો હતો. જોકે રાત્રી સુધી જિલ્લામાં અન્ય કયાંયથી વરસાદ પડયાના અહેવાલ મળ્યા નથી. હવામાન વિભાગે હજુ એક દિવસ કચ્છમાં તોફાની વરસાદ વરસે તેવી આગાહી કરી છે. તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ જળવાયેલું રહેવાની શકયતા પણ દેખાડવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang