• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છમાં સમુદ્રી સીમાદર્શનને મળશે વેગ

ભુજ, તા. 20 : કચ્છમાં સરહદ પ્રવાસન ક્ષેત્રે થતી મોટી કામગીરી અને સમુદ્ર-સીમા દર્શનનાં અનોખા અભિયાનનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે વડાપ્રધાન કાર્યાલયના અગ્રસચિવ પી.કે. મિશ્રા બે દિવસથી કચ્છમાં હોવાથી આજે પશ્ચિમ કચ્છમાં લક્કી નાળાં સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. દરમ્યાન આ મુલાકાતમાં સાથે રહેલા ગુજરાત પ્રવાસન સચિવ શ્રી શુકલાએ જણાવ્યું હતું કે, જેવી રીતે સફેદ રણનો વિકાસ થયો છે એ જ રીતે સીમા સમુદ્ર પ્રવાસન વિકસી શકશે. સિરક્રીક વિસ્તારમાં ચેરિયાંનાં રણમાં પર્યટકોની મુલાકાત વગેરે વિકસાવવામાં આવે છે. બોટને પ્રોત્સાહન મળતાં કામો જોવા શ્રી મિશ્રા અહીં આવ્યા છે. કચ્છમાં  માતાના મઢ, ના. સરોવર, લખપત, કોટેશ્વર, પિંગલેશ્વર સહિતનાં સ્થળોનો વિકાસ થઇ રહ્યો છે. તેમણે તમામ સ્થળોનું નિરીક્ષણ પણ કર્યું હતું. કચ્છમાં  પ્રવાસનને વેગ આપવા આજે શ્રી મિશ્રા સાથે રાજ્ય પ્રવાસનના સચિવ હારિત શુક્લા તેમજ બીએસએફના ડી.જી. નીતિન અગ્રવાલ, બોર્ડર રેન્જના આઇ.જી. ચિરાગ કોરડિયા અને વનતંત્રના ઉચ્ચ અધિકારીઓએ આજે લક્કી નાળાંથી ચૌહાન નાળાંનું નિરીક્ષણ કર્યું હતું. અહીં નિર્માણાધીન ચેરિયાં વાવેતર તેમજ પ્રવાસનને વેગવાન બનાવવા માટે નિરીક્ષણ કર્યું હતું. ત્યાંથી સીધા જ પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર જઇ ભગવાન ત્રિવિક્રમરાયજી મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા અને સરોવરનું પૂજન-અર્ચન કર્યું હતું. ના. સરોવર જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજે ઉપવત્રથી સન્માન કર્યું હતું. ત્યાંથી તેઓએ કોટેશ્વર મહાદેવના દર્શન કર્યાં હતાં અને ત્યારબાદ લખપત ખાતે દર્શન કરી વિવિધ વિકાસ સ્થાનોનું નિરીક્ષણ કર્યું હતું. આમ પીએમઓમાંથી આવેલા શ્રી મિશ્રા સંવેદનશીલ સીમાઓનું ભ્રમણ કરતાં આ વિસ્તારમાં ધાર્મિક તેમજ પ્રવાસનને વેગ મળશે તેમજ આ વિસ્તારના લોકોનું જીવનધોરણ ઊંચું આવશે તેવી આશા વ્યકત કરી હતી. વર્ષો પહેલાં તેઓ કચ્છના જિલ્લા વિકાસ અધિકારી હતા એટલે ડી.ડી.ઓ. બંગલો જોવા પણ ગયા હતા. ભૂકંપ વખતે કચ્છ ઉપર પુસ્તક લખ્યું હોવાથી કચ્છથી પરિચિત એવા ઉચ્ચ અધિકારીની મુલાકાત સમયે બીએસએફના અધિકારી અનંતકુમાર, પ્રાંત અધિકારી સૂરજ સુથાર, શ્રી ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang