ગાંધીધામ, તા. 20 : દીનદયાલ પોર્ટના ચેરમેન તરીકેનો પ્રતિનિયુક્તિનો કાર્યકાળ પૂર્ણ થતાં શહેરની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવભીનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વેળાએ વિવિધ સંસ્થાઓ દ્વારા અધ્યક્ષનું સન્માન કરાયું હતું. ચેમ્બર ભવન ખાતે યોજાયેલા સમારોહમાં સન્માનનો પ્રત્યુત્તર આપતાં ડી.પી.એ.ના પૂર્વ ચેરમેન અને વનતંત્રના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સંજય મેહતાએ ચેમ્બર દ્વારા આયોજિત વિદાયમાન કાર્યક્રમથી અભિભૂત થયા હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2019થી ડી.પી.એ. ચેરમેન તરીકેનો કાર્યકાળ શરૂ થયો ત્યારે પોર્ટમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત જણાતાં ત્રણ વર્ષમાં 2000 કરોડના કામ કરવાનો પ્લાન તૈયાર કરી શિપિંગ મંત્રાલયમાં મુક્યો અને મંત્રીએ આગળ વધવાનું કહ્યંy ત્યારથી ઈનિંગ્સ શરૂ થઈ. સ્ટોરજ કેપિસિટી માટે લેવાયેલા વિવિધ પગલાઓ અંગેની વાત કરી દેશના મહાબંદરોમાં સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ડીપીએમાં હોવાનું જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, હું આવ્યો ત્યારે ચેમ્બર અને ડીપીએ સામસામે હતા, આજે સાથે-સાથે છીએ. શહેરના વિકાસમાં ચેમ્બરે ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં ટ્રાન્સફર ફી માટે સતત રજૂઆત કરી તે એક મહત્ત્વનું કાર્ય છે. આ મુદ્દે મંત્રાલયે કહ્યું કે, આવકનું નુકસાન કરીને ફી ઓછી કેમ કરો છો? તે પ્રશ્નોનો જવાબ આપતાં કહ્યું કે, ટ્રાન્સફર ફી પોર્ટની રેવન્યૂ નથી, તેને ઓછી કરવાથી લોકોની જે ગૂડવીલ મળશે, તેની સામે આવક કાંઈ નથી અને તેના આધારે મંત્રાલયે મંજૂરી આપી. પોર્ટની ટીમે સરકારની `ના'ને `હા'માં પરિવર્તિત કરવાની કરી છે. શહેરની સ્વચ્છતા માટે ડીપીએએ જે ઝુંબેશ ઉપાડી છે, તે રાજ્યમાં ઉદાહરણરૂપ બનશે, તેમ કહી શહેરને સ્વચ્છ કરવા માટેના વિચારને મજબૂત બનાવવા હાકલ કરી હતી. ડીપીએના ભાવિ પ્રોજેક્ટોથી આગામી પાંચ વર્ષમાં ગાંધીધામના અર્થતંત્રની તસવીર બદલી જશે, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. ડીપીએના ઉપાધ્યક્ષ નંદીશ શુક્લાએ તેમની સાથેના ચાર વર્ષના સમય દરમ્યાન કરેલી કામગીરીના અનુભવને યાદ કરીને તેમને મૃદુભાષી લેખાવ્યા હતા. આ ઉપરાંત ડીપીએ અને ચેમ્બર સાથે કોરોનાકાળમાં શ્રમિકોને રોકવા માટે રાશનકિટ વિતરણ સહિતની કામગીરીના સંસ્મરણો તાજાં કર્યાં હતાં. ચેમ્બર પ્રમુખ મહેશ પુજે ગાંધીધામ અને દીનદયાલ પોર્ટ એક-બીજાના પૂરક હોવાનું જણાવ્યું હતું. શ્રી મેહતાની દૂરંદેશીતાના થકી પોર્ટમાં અનેક મોટા પ્રકલ્પો આવ્યા હોવાનું અને તેના થકી ભવિષ્યમાં કંડલા બંદર અને ગાંધીધામના વિકાસ બમણો થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડી.પી. વર્લ્ડ જેવા પ્રકલ્પોથી ગાંધીધામ વિશ્વના નકશામાં મુકાયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સી.એસ.આર.માં માત્ર શહેર જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી કરીને માનવીય અભિગમ અપાનાવાયો હોવાનું જણાવ્યું હતું. આ મહત્ત્વના કાર્યો થકી ગાંધીધામ શ્રી મેહતાનું સદાય ઋણી રહેશે, તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ચેમ્બરના માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. આ વેળાએ અગ્રણી ચંપાલાલ પારખ, પ્રેમ લાલવાણી, બી.કે. મનસુખાણી, બચુભાઈ આહીર, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારખ, સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી નરેન્દ્ર રામાણી, સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, કારોબારી ચેરમેન એ.કે. સિંઘ, ડીપીએના સેક્રેટરી સી. હરિચંદ્રન, ટ્રાફિક મેનેજર રત્નાશેખર રાવ, ચીફ એન્જિનીયર વી. રવીન્દ્ર રેડ્ડી, સી.વી.ઓ. જે.કે. રાઠોડ, ડી.સી. કેપ્ટન પ્રદીપ મોહંતી, સી.એમ.ઈ. સુશિલચંદ્ર નાહક, ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી શ્રીમાળી, વ્યાપાર સંવર્ધન, જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ વિવિધ 50થી વધુ સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું.