• શનિવાર, 27 જુલાઈ, 2024

ઘરઆંગણે વ્યાપક ખનિજ સંપદા છતાં ટ્રકમાલિકો હેરાન

નખત્રાણા, તા. 20 : કચ્છમાં અને ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં ધરતીના પેટાળમાં વિવિધ પ્રકારના ખનિજ તત્ત્વોનો વ્યાપક ખજાનો હોવા છતાં તેના પરિવહનના ક્ષેત્ર સાથે સંકળાયેલા ટ્રકમાલિકોની હાલત ખરાબ છે. ટ્રકમાલિકોના જિલ્લાસ્તરના સંગઠનની સંકલનના અભાવ સાથેની કામગીરીને લઇને આવી પરિસ્થિતિ સર્જાયાનો સૂર વ્યક્ત કરવા સાથે જિલ્લાના પ્રમુખપદે સામાન્ય ટ્રકમાલિકોનો ઉદ્ધાર કરી શકે તેવા અધ્યક્ષ નિયુક્ત કરવાની લાગણી વ્યક્ત કરી આ માટે પશ્ચિમ કચ્છને સ્થાન આપવાની માગણી સાથે આ માટે મૂળ મોટી વિરાણીના બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજાનું નામ નક્કી કરી તેને જિલ્લાસ્તરે રજૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસીએશનની સામાન્યસભા અહીં અધ્યક્ષ અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રમુખસ્થાને યોજાઇ હતી, જેમાં સામાન્ય ટ્રકમાલિકને પૂરતો ધંધો ન મળવા સહિતના જુદા-જુદા અનેકવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરાઇ હતી, તો ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટે સર્જાયેલી આ કપરી હાલત માટે ટ્રકમાલિકોના જિલ્લા એકમના સંગઠનના સુચારુ સંકલનનો અભાવ જવાબદાર હોવાનો સૂર સ્પષ્ટપણે વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ એસો.ના રૂા. 50 લાખના ખર્ચે નવા બનનારા સંકુલનો શિલાન્યાસ પણ કરાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ અર્જુનસિંહે જણાવ્યું હતું કે, જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ની સામાન્યસભા આગામી તા. 25મીના મળશે. સામાન્ય ટ્રકમાલિકોનો ઉદ્ધાર કરી શકે તેવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવાની અને કાર્યશીલ કારોબારી રચવાની લાગણી વ્યક્ત કરી આ માટે પશ્ચિમ કચ્છના બ્રિજરાજસિંહ જાડેજાનું નામ મુકાશે, તેવી માહિતી આપી હતી, તેમણે પોતાના પ્રવચનમાં દેશલપર ફાટકથી હાજીપીરનો 16 કિ.મી. માર્ગને મંજૂરી, નવી શરૂ થનારી લિગ્નાઇટ ખાણ અને સિમેન્ટ એકમ સહિતના મુદ્દા આવરી લેતાં સભ્યોએ રજૂ કરેલા વિવિધ મુદ્દાઓ વિશે છણાવટ કરી હતી. અબડાસા, લખપત અને નખત્રાણા એમ ત્રણેય તાલુકાના ટ્રકમાલિકોની હાજરીમાં યોજાયેલી આ સભામાં શરૂઆતમાં પશ્ચિમ કચ્છ સંગઠનના મહામંત્રી ભાવેશભાઇ ગોસ્વામીએ આવકાર પ્રવચન કરતાં સભાનો હેતુ સમજાવ્યો હતો. અગ્રણીઓ ખેંગારભાઇ રબારી, જયસુખભાઇ પટેલ, જયેશભાઇ, આમદભાઇ જત, ચાંદુભા જાડેજા, રાજેશભાઇ આહિર (રતનાલ), હારુનભાઇ સહિતનાએ વ્યવસાય અને ટ્રકમાલિકોને કનડતા વિવિધ મુદ્દા પેશ કર્યા હતા. વ્યાપક માત્રામાં ખનિજ તત્ત્વોનો ભંડાર અને અનેક ઓદ્યોગિક એકમો છતાં પૂરતો અને પોષણક્ષમ ધંધો ન મળવા સહિતના મુદ્દા આ અગ્રણીઓએ રજૂ કર્યા હતા, તો ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાય અગાઉની જેમ ફરી ગતિશીલ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. બ્રિજરાજસિંહે ધંધાના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક જવાબદારી વહન કરવાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ એસો.ના રૂા. 50 લાખના ખર્ચે નખત્રાણા-લખપત ધોરીમાર્ગ ઉપર વિશ્વકર્મા માર્કેટ નજીક નવા બનનારા સંકુલના ખાતમુહૂર્તની વિધિ પ્રમુખ અને અગ્રણીઓના હસ્તે કરાઇ હતી. સામાન્યસભામાં ધર્મેદ્રસિંહ જાડેજા, કરશનજી સોઢા, રાજેશભાઇ બારુ, સતારભાઇ નોતિયાર, લખમીર રબારી, મોતાસિંહ ચૌહાણ, દશરથસિંહ જાડેજા, સુરેશદાન ગઢવી, મંગલ રાજા રબારી, કુંવરગિરિ ગોસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે યોજાનારી જિલ્લા સામાન્યસભામાં પશ્ચિમ કચ્છના બે હજાર સભ્ય ભાગ લેશે તેવી માહિતી પણ અપાઇ હતી. સંચાલન અને આભારવિધિ શંકરભાઇ ભીમાણીએ સંભાળ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang