• શનિવાર, 27 જુલાઈ, 2024

પવનની ઝડપ વધતાં મહત્તમ પારો ત્રણ ડિગ્રી ગગડયો

ભુજ, તા. 19 : છેલ્લા કેટલાક દિવસોથી પ્રખર તાપમાં શેકાતા કચ્છમાં પવનની દિશા બદલાવા સાથે ઝડપ વધતાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું ગગડતાં કચ્છીમાડુઓને રાહત મળી હતી. જો કે, ભેજના ઊંચા પ્રમાણના લીધે બફારાએ લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા. ચાર દિવસ સુધી આવો માહોલ રહ્યા બાદ ફરી ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જિલ્લામાં સરેરાશ 10થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પવનની દિશા બદલાતાં તમામ  મથકોમાં પારો 40 ડિગ્રીથી નીચે ઊતર્યો હતો. કંડલા એરપોર્ટમાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે 38.9, તો જિલ્લા મથક ભુજમાં પણ ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન 36.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. નલિયામાં 33 અને કંડલા પોર્ટમાં 3. ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમ પારો 24થી 26 ડિગ્રી નોંધાયો હતો.  ભેજનું પ્રમાણ વધુ રહેતાં તાપમાં ભલે રાહત મળી, પણ  બફારાએ જનજીવનને રીતસરનું બેહાલ કરી મૂક્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટી ફેરબદલની સંભાવના નહીંવત્ છે, પણ પછી મહત્તમ તાપમાન ફરી ઊંચકાય તેવી શક્યતા દેખાડવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang