• બુધવાર, 22 મે, 2024

શેરડી રસનાં `ઘરઘરાઉ' વાહનો માટે નિયમન જરૂરી

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 17 : કચ્છભરમાં એકીઝાટકે ઉનાળુ આણ પ્રસરાવતા સૂર્યકિરણોએ જનજીવનને અકળાવવાનું શરૂ કર્યું છે, ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા શેરડીના રસના સંચાઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યા છે. શેરડીના રસના `રસદાર' ધંધામાં મોટાભાગે બારાતુ લાગતા ધંધાર્થીઓ દ્વારા `એસેમ્બલ્ડ' કરાયેલાં વાહનો પણ નગરમાં અને ગામડાંઓમાં પણ ઠેરઠેર જોવા મળે છે. શ્રમજીવી પરિવાર ભલે મહેનત કરીને બે પૈસા કમાતો હોય, પરંતુ તેમનાં વાહનથી નાગરિકોની સલામતી જોખમાવી જોઇએ. આવાં વાહનો કોઈ નિયમો વિના દોડી રહ્યાં હોવાનો દાવો કરતાં જાણકાર લોકોએ આવાં વાહનોની તપાસ કરવાની માંગ કરી હતી. જાણકારોએ કહ્યું કે, શેરડીના રસના વેચાણ માટે ચાર પૈડાં પર ઘરઘરાઉ રીતે ડીઝલથી દોડતું વાહન બનાવવામાં આવે છે. વાહનના છેડે ધંધાર્થી બેસે છે જે સ્ટીયરિંગ જેવી રચનાથી વાહનનું સંચાલન કરે છે. વાહનમાં શેરડીનો સંચો અને શેરડીનો જથ્થો રાખવાની પણ વ્યવસ્થા હોવાથી `શેરડી રસ ઓન વ્હીલ્સ' જેવી રસ્તે દોડતી ગાડી બને છે. ડીઝલથી દોડતું હોવા છતાં તેની નોંધણી આરટીઓમાં નથી થતી કે તે હાથલારી પણ હોવાથી તેની તેવી કોઈ નોંધ પણ નહીં હોય એમ લાગી રહ્યું છે. શેરડી રસના વાહનો સવાર પડતાંની સાથે શહેરના માર્ગો પર ધસમસતા નીકળી પડે છે અને તેમાં સાઈડ માટે કોઈ સિગ્નલ કે ઈન્ડીકેટરની વ્યવસ્થા હોવાથી ગમે ત્યારે વળાંક વળતા હોવાથી વાહનની ટક્કર નિવારવાની જવાબદારી તેની પાછળ અથવા સામેથી આવતા વાહનચાલક કે રાહદારીની બની જાય છે. તાજેતરમાં આવાં એક શેરડી વાહનની અડફેટે શાળાએ જતી બાળા આવી ગઈ હતી, એમ જાણકારોએ કહેતાં ઉમેર્યું કે, પ્રકારનાં વાહનો સામે પગલાં ભરવાની જરૂર ઊભી થાય તે હદે વાહનના ધંધાર્થીઓની બેદરકારી વધી ગઈ છે. હકીકતમાં સંબંધિત તંત્રોએ જાતે સજાગ બનીને શહેરમાં બિન્ધાસ્તપણે દોડી રહેલાં આવાં શેરડી રસ વાહનો સામે પગલાં ભરવાં જોઈએ અને માર્ગો પર રીતે ખુલ્લેઆમ પ્રકારનાં વાહન ફરે તે કાયદેસર છે કે કેમ તે સહિતનાં પાસાં પર વિચાર કરીને પગલાં ભરવાં જોઈએ, તેવી માંગ થઈ રહી છે. એન્જિન-ઇંધણથી દોડતાં વાહનો આરટીઓમાં નોંધણી વિના `ગેરકાયદે'ની શ્રેણીમાં આવતાં હોય છે, રીતે જો આવાં વાહન અકસ્માત સર્જે તો તે વખતે અનેક કાનૂની પ્રશ્નો સર્જાઇ શકે છે. `ગાડી' ચલાવનારાઓ પાસે લાયસન્સ છે કે નહીં તેની પણ તપાસ થવી જોઇએ, એમ જાણકારો કહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang