• શનિવાર, 20 એપ્રિલ, 2024

પાણી અને કચરો ભરેલી ગાંઠ કિશોરીના પેટમાંથી કઢાઇ

ભુજ, તા. 2 : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં 14 વર્ષની કિશોરીના અંડાશયમાં છેલ્લા પાંચ વર્ષથી વિકસિત 4.5 કિલોગ્રામ વજનની પાણીથી ભરેલી ગાંઠ, ત્રીરોગ વિભાગના તબીબોએ અઢી કલાકની મહેનત પછી છેક લિવર સુધી ફૂલી ગયેલા પેટનું દૂરબીનથી ઓપરેશન કરી મૂળ સ્થિતિમાં લાવી દીધું હતું. ત્રીરોગ વિભાગના ડો. વિનોદ મકવાણાએ ઓપરેશન કર્યા બાદ જણાવ્યું હતું કે, માધાપરની 14 વર્ષની દેવ્યાંગિની વસંતભાઈ ગોસાઈ અત્રે સારવાર માટે આવી ત્યારે તેનું પેટ ખૂબ ફૂલેલું હતું અને પેટમાં દુ:ખાવો હતો. તબીબોની ટીમે એમ.આર.આઇ. કરાવતાં દીકરીના પેટમાં વિકસિત ગાંઠ અંડાશયની (બીનાઈન મ્યુસીનસ સિસ્ટ ઓફ ઓવરી) જણાઇ હતી. તબીબોને શંકા જતાં કેન્સરના પરીક્ષણ માટે ગાંઠના ટયૂમર માર્કર લઈ મોકલ્યા જે નેગેટિવ આવતાં તબીબો અને કુટુંબીજનોએ રાહતનો શ્વાસ લીધો અને પેટમાં દૂરબીનથી શત્રક્રિયા કરવાનો નિર્ણય કર્યો. અઢી કલાક ઓપરેશન કરી સાડા ચાર કિલો ગાંઠના રૂપમાં રહેલું પાણી કાઢ્યું. ત્યારબાદ અંડાશયની ગાંઠમાંથી પાણી કાઢ્યા બાદ નકામો કચરો પણ દૂર કરી, અંડાશયને મૂળ સ્વરૂપમાં લાવવામાં સફળતા મળી હતી. સાડા ચાર કિલોની ગાંઠની સાઈઝ 21.14 સે.મી.હતી. ઓપરેશનમાં ડો. કવલ શાહ, ડો. પ્રેક્ષા શાહ, ડો. સાહિલ પટેલ, ડો. કનિકા અશર, ડો. ઉર્વશી ચૌધરી તેમજ એનેસ્થેટિક તબીબો ડો. જલદીપ પટેલ અને ડો. ધ્રુવ તથા ડો. ચિરાગ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang