• શનિવાર, 20 એપ્રિલ, 2024

ગુંદાલાની ગૌચર મુદ્દે ગ્રામજનો આકરાં પાણીએ

મુંદરા, તા. 2 : તાલુકાના ગુંદાલા ગામે મુરલીધર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા અદાણી ઇકોનોમિક ઝોન મુંદરા દ્વારા ગામનાં ગૌચર જમીન દબાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં માંડવી તાલુકાના કાઠડાની ગૌચર જમીન વિવાદ બાદ ગુંદાલા ગામની ગૌચર જમીન બચાવવા જરૂર પડશે તો અમે જીવ પણ આપી દઇશું તેવી ચીમકી અપાઇ હતી. વિગતવાર જોઇએ તો રે... 585/1/પી1વાળી જેનું ક્ષેત્રફળ 75, 67, 79ની જમીન આવેલી છે, જે જમીન પર અદાણી ઇકોનોમિક ઝોન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. કંપની એકબાજુ દાવો કરે છે કે જમીન અમે સરકાર પાસેથી વેચાતી લીધી છે, જ્યારે જમીનના 7/12 મુજબ ગુંદાલા ગૌચર ખાતે ખાતાનંબર 913થી આવેલી છે. મુદ્દે આવેદનપત્ર નાયબ કલેક્ટરને અપાયું હતું, જેનો કોઇ જવાબ આવ્યો નથી. ગ્રામજનો જણાવી રહ્યા છે કે, જો કંપનીએ જમીન સરકાર પાસેથી ખરીદી હોય તો આધાર-પુરાવા આપે. ગામલોકોએ જણાવ્યું હતું કે, અમને ઉદ્યોગ નથી જોઇતા, અમને અમારી ગૌચર જમીન જોઇએ છે. છેલ્લા દસ દિવસથી ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે લીલી વનસ્પતિ તથા વન વિભાગનાં વૃક્ષો કપાતાં ગ્રામજનોએ ઉગ્ર લડત આપી, જે જેસીબીથી વૃક્ષો કપાતાં હતાં તે તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું. એકબાજુ સરકાર તથા ધારાસભ્ય જણાવે છે કે, પર્યાવરણ બચાવો, તો આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ? કુદરતી રીતે ઊગેલા પાંચ હજાર ઝાડનો નાશ કરાયો છે તેવું જણાવ્યું હતું. જો સામાન્ય માણસ 1 ઝાડનો નાશ કરે તો દંડ થાય છે તથા કાયદેસરની કાર્યવાહી થાય છે, તો પાંચ હજાર વૃક્ષો જેમણે કાપ્યાં છે તેમને કડકમાં કડક સજા થવી જોઇએ. મુખ્ય વાત અમને 75 હેક્ટર જમીન જોઇએ. જો જમીન અમને નહીં મળે તો અંદાજિત 3500થી 4000 ગાયો તથા 1500થી 2000 ઘેટાં-બકરાં ચરવા જશે ક્યાં ? ઉપરાંત આજુબાજુ કુલ્લ 20 કંપનીઓ આવેલી છે જે નિયમ મુજબ સી.આર.એસ. ફંડ પણ મળતું નથી. જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિવસ 15 બાદ અમે ગાંધીચીંધ્યા માર્ગે જઇ ધરણા પર ઊતરશું તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. કોઇ પણ નિરાકરણ નહીં આવે તો આજુબાજુનાં ગામોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશું એવી ચીમકી અપાતાં વેળાએ દીપકભાઇ આહીર, રણજિતસિંહ જાડેજા, કરસનભાઇ આહીર, હુસૈનભાઇ ઓઢેજા, હરેશ સોંધરા, મહેશ આહીર, વિમલ રાજગોર તથા ગામના આગેવાનો જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang