• શનિવાર, 27 જુલાઈ, 2024

છેવાડાના લોકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

ભુજ તા. 22 : છેવાડાના ગામોના લોકોને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ આપવાની કટિબદ્ધતા દર્શાવતાં અને કચ્છના સર્વાંગી વિકાસલક્ષી જિલ્લા પંચાયતના 453 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ગુરુવારે મિની સંસદ લેખાતી જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં પ્રમુખ જનકસિંહ જાડેજા, ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી અને જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ પ્રજાપતિની ઉપસ્થિતિમાં નાણાકીય વર્ષ 2024-25ના રૂા. 45,31,91,4000નું સુધારેલું  અંદાજપત્ર રજૂ કરવામાં  આવ્યું હતું. સભામાં ગત સામાન્ય સભામાં લેવાયેલા  નિર્ણયો પર લેવાયેલાં પગલાંનો હેવાલ રજૂ કરાયો હતો તથા પંચાયતી સમિતિઓની  કાર્યવાહીની નોંધને બહાલી અપાઈ હતી. અંદાજપત્રમાં સામાન્ય વહીવટ, મહેકમ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, આંકડા, સમાજ કલ્યાણ, ગ્રામ્ય નાના ઉદ્યોગ અને સહકાર, કુદરતી આફતો, સિંચાઈ, બાંધકામ, આઈ.સી.ડી.એસ.  સહિતના વિવિધ ક્ષેત્ર માટે 38,18,24,000ની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં જિલ્લા પંચાયતની અંદાજિત આવક 1256 કરોડ, જ્યારે ખર્ચ 1193 કરોડનો અંદાજવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતને ચાલુ વર્ષ દરમ્યાન સ્વભંડોળમાં 43.62 કરોડની આવક અંદાજવામાં આવી છે. બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ જનકસિંહે અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કરવા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવતો ઠરાવ રજૂ કર્યો હતો જેને સર્વાનુમતે પસાર કરાયો હતો. તો બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના (નરેગા)નાં વર્ષ 2024-25ના બજેટને પણ બહાલી અપાઈ હતી. બેઠક પૂર્ણતા ભણી હતી તે દરમ્યાન વિપક્ષી સભ્ય મામદ જુંગ જતે લખપત તાલુકાની કેટલીક શાળાઓ શિક્ષક વિહોણી હોવાથી બાળકોના અભ્યાસ પર પડી રહેલી અસર અંગે રજૂઆત કરતાં સત્તા-વિપક્ષના સભ્યો વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી, મુદ્દે કોઈ રજૂઆત આવી હોવાની શિક્ષણ ચેરમેન વિરમ ગઢવીએ સ્પષ્ટતા કરી હતી, તો અબડાસામાં આવેલ સાંઘી સિમેન્ટના વર્ષ 2010થી બાકી નીકળતા લેણાંની રૂા. ચાર કરોડની રકમનો મુદ્દોયે છવાયો હતો, જે મુદ્દે કોઈ નિર્ણય લેવાતાં વધુ ગૂંચવાયો હતો. બેઠકમાં કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા સહિતના વિવિધ સમિતિના ચેરમેન, અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang