• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છમાં જન્મદર : સ્થિતિ સુધરી, પણ હરખાવા જેવું નહીં..

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 17  : વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી શી કમાલ! મકરન્દ દવેએ જેના માટે કમાલની ભાવોર્મિઓ વ્યક્ત કરી છે દીકરીઓ વહાલનો દરિયો છે. તેને બોજ ગણવાની મધ્યયુગીન માન્યતા ઘટી છે, પણ હજીય કલંક મટયું નથી. કચ્છમાં 2023ના અંતની સ્થિતિએ કુમારોની સ્થિતિએ કન્યાઓનો જન્મદર થોડો સુધરીને 1000ની સામે 938.2 રહ્યો છે. 2021ના 93 અને 2022ના 930ની તુલનાએ તેમાં મોટો ફરક નથી. ગુજરાતના સરેરાશ 910થી 920ના જન્મદરની તુલનાએ કચ્છમાં ચિત્ર થોડું બહેતર છે, પણ હરખાવા જેવું નહીં. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફૂલમાલીએ આપેલી વિગત મુજબ 2023ના અંતમાં જિલ્લામાં કુલ્લ 23362 બાળકનો અને 21918 બાળકીઓનો જન્મ નોંધાયો હતો અને કન્યા જન્મદર 938.2 ટકા નોંધાયો હતો. ખાસ વાત છે કે લખપતમાં તો રેશિયો 1107.4નો, મુંદરામાં 1000નો, નખત્રાણામાં 1036.3નો હતો. લખપતામાં 2023નાં વર્ષ દરમ્યાન 391 બાળકની સામે 433 બાળકીઓનો જન્મ થયો. આમ જન્મદર સુધરી રહ્યો છે. જો કે, માંડવીમાં જન્મદર માત્ર 904.5, ભુજમાં 918.8, અંજારમાં 924.3 છે. અબડાસામાં વર્ષ દરમ્યાન 658 બાળકનો અને 646 બાળાઓનો જન્મ થયો. આમ કન્યા જન્મદર રેશિયો 981.8 રહ્યો. લખપતમાં 2021માં સેક્સ રેશિયો નોંધપાત્ર 1064 હતો, પણ 2022માં વળી તે  સાવ ઘટીને 869 પર પહોંચી ગયો હતો. એકંદરે કચ્છમાં 2023ના વર્ષ દરમ્યાન કુલ્લ 45281 બાળક-બાળકીઓનો જન્મ થયો. કચ્છમાં 2018-19માં કન્યા જન્મદર એક તબક્કે માત્ર 898નો નોંધાયો હતો, જે ચિંતાજનક બાબત હતી. વળી 2021-22માં તે વધીને 959 સુધી પહોંચી ગયો હતો. ભૂતકાળમાં જઇએ તો 2011માં કચ્છમાં કન્યા જન્મદર 907 જેટલો ચિંતાજનક હતો અને 13 વર્ષમાં તેમાં સુધારો નોંધાયો છે, પણ એથીય પાછળ જઇએ તો 2001માં અહીં રેશિયો 952 જેટલો નોંધપાત્ર પણ હતો. કન્યાઓને પ્રોત્સાહન માટેની કોઇ નવી યોજના અમલી બની છે કે બનવાની છે ? ડો. ફૂલમાલીએ કહ્યું કે, હાલ તો આવી કોઇ નવી યોજના નથી, પણ સરકારનું સામાન્ય ધ્યેય કન્યાઓને પ્રોત્સાહનનું છે. આમ તો આપણી સંસ્કૃતિ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેની છે, પણ સમય વીત્યે આપણા સમાજમાં બાળકીને દૂધપીતી કરવા જેવી કલંકિત પ્રથા પણ અમુક સ્થળે પ્રચલિત બની હતી. આજે દીકરીઓને લઇને લોકોની માનસિકતામા ઘણો હકારાત્મક બદલાવ આવી ગયો છે, પણ હવે કયાંક કયાંક ત્રી ભ્રૂણહત્યાના વરવા બનાવોય નોંધાતા હોય છે. કચ્છમાં હાલમાં આવા કોઇ બનાવો નોંધાયા હોવાનું પૂછતાં આરોગ્ય અધિકારીએ ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે રેડિયોલોજી કેન્દ્રો અને તબીબોની નિયમિત બેઠકો બોલાવીએ છીએ અને દેખરેખ રાખીએ છીએ. કચ્છમાં 35 નોંધાયેલા રેડિયોલોજિસ્ટ અને 71 ગાયનેકોલોજિસ્ટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang