• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઉદ્યોગોના વિકાસમાં આવનારો દાયકો કચ્છનો રહેશે

ગાંધીધામ, તા. 22 : ભૂકંપ બાદ સર્વાંગી વિકાસ પામેલા કચ્છે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે સામર્થ્ય દર્શાવ્યું છે,  ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા  જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી પૂર્વ કચ્છના ઉદ્યોગકારોને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાના નિરાકરણ માટે ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાનેથી બોલતા જિલ્લા કલેકટર અમિત અરોરાએ તેમના કાર્યકાળ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાંની કામગીરીને યાદ કરી ઝડપી વિકસિત થતાં કચ્છની વિકાસની ઈચ્છાશક્તિને બિરદાવી હતી.  તેમણે કહ્યુy હતું કે, આગામી  દાયકામાં ગુજરાત રાજ્ય કચ્છના નામથી આગળ વધશે. ઉપસ્થિત દરેકને ખુલ્લા મંચ ઉપરથી વ્યકિતગત કે સાર્વજનિક પ્રશ્નો તેમજ કયા વિભાગને સ્પર્શે છે તેની નિર્ભિકતાથી ચર્ચા કરવા  હાકલ કરી હતી. જિલ્લા કલેકટરે વધુમાં કહ્યું હતું કે, કચ્છ પાસે વિશાળ દરિયો, જમીન, ધોળાવીરા અને ધોરડો, કોટેશ્વર જેવી ઐતિહાસિક-સાંસ્કૃતિક વિરાસત છે. પ્રવાસન સાથે ઉદ્યોગો પણ કચ્છ તફર વળ્યા છે.  નર્મદાનાં નીરથી કૃષિ ઉદ્યોગ પણ વિકસિત થયો છે. દરેકને આધારભૂત વાતાવરણ સાથે શકય હશે તેટલી કમીની પૂર્તતા કરવા  પ્રશાસન તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી. તેમણે ગાંધીધામ ચેમ્બરના પ્રયાસની સરાહના કરી હતી. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે સ્વાગત પ્રવચન કરતાં  જણાવ્યું હતું કે પ્રશાસને દરેક તબક્કે ઝીણવટપૂર્વકના પ્રયાસોથી કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થાય અને દરેક સમસ્યાઓને સાંભળીને તેના ઉકેલ લાવવા જે તત્પરતા દર્શાવી છે તેથી સમગ્ર વિસ્તારને તેનો લાભ મળશે. ગ્રીન હાઈડ્રોજનના સંયોજનમાં કચ્છી ઉદ્યોગકારોને પ્રાધાન્ય આપવા, સામખિયાળી -સૂરજબારી  ટોલનાકાને નિયમાનુસાર દૂર ખસેડવા રજૂઆત કરી હતી. ઓપન હાઉસનું સંચાલન કરતા ચેમ્બરના માનદમંત્રી  મહેશ તીર્થાણીએ  મહાનગરપાલિકા, કંડલા એરપોર્ટ વિસ્તરણ,  રેલવે સેવા, બસ પોર્ટ, પ્રવાસન, વીજતંત્રનું સબ સ્ટેશન, અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગ, સી.એન.જી. સ્ટેશન, ઓઈલ, ટીમ્બર,  ગેસ અને અન્ય મહાકાય ઉદ્યોગોનાં કારણે અદ્યતન  અગ્નિશામક જેવી સેવાની જરૂરિયાત,  સ્વચ્છતા અભિયાન, શહેરનું સૌંદર્યકરણ, સ્મશાનગૃહ સાથે પાણી, વીજળી, જમીનની સમસ્યા જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃતમાં રજૂઆત કરાઈ હતી. ઓપન હાઉસમાં કૃષિની જમીન મેળવવા સાથે ખેડૂત ખાતેદારોનું નામ ઉમેરવા, હાઈવે અને શહેરી વિસ્તારમાં આડેધડ પાર્કિંગ થતાં વાહનો, પથ્થર, રેતી, કાંકરી કે મીઠાને તાલપત્રીથી કવર   કરાતાં સર્જાતા અકસ્માતમાં યોગ્ય પગલાં લેવા, દેશના મોટા નમક ઉદ્યોગની લીઝ  સમયસર રિન્યૂ કરવા, કચ્છને જોડતી વંદેભારત ટ્રેન, દિલ્હીની સુપરફાસ્ટ ટ્રેન, હવાઈ સેવામાં ઊંચાં ભાડાંની થતી વસૂલાત,  હવાઈ સેવા વિસ્તારવા, વીજળી, પાણી, જમીનની ઘણી બધી સમસ્યાઓની ભારપૂર્વકની રજૂઆત  કરાઈ હતી. વેળાએ સુધરાઈ પ્રમુખ તેજશ શેઠ, તેજાભાઈ કાનગડ, પારસમલ નાહટા, રાકેશ જૈન, ટીમ્બર એસોસીએશનના પ્રમુખ  નવનીત ગજ્જર, હેમચંદ્ર યાદવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઓપન હાઉસમાં ઈફકો, સૂર્યા રોશની, વેલસ્પન, અદાણી, ઈલેકટ્રોથર્મ, ટીમ્બર, નમક ટ્રાન્સપોર્ટ, સ્ટીલ, ખાણ ખનિજ, કાસેઝ, પોર્ટ, રેણુકા સુગર, લેકમે લિવર, સૌરાષ્ટ્ર ફયુઅલ, પંચાયત ઈરિગેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang