• શનિવાર, 20 એપ્રિલ, 2024

`રેડ-સી'માં હુમલા વચ્ચે શ્રેષ્ઠ વ્યાપાર માર્ગ મુંદરા

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 22 :  તાજેતરમાં ઇઝરાયલના પરિવહન મંત્રી મીરી રેગેવ મુંદરાની મુલાકાતે આવ્યાં હતાં, ત્યારે એક્સ-ટ્વિટર પર ઇઝરાયલી ભાષામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને એમાં તેઓએ કચ્છના અદાણી ગ્રુપ હસ્તકના મુંદરા બંદર પર ઊભા રહીને નવા વેપાર માર્ગનું વર્ણન કર્યું હતું, જે સંદેશનો ખુલાસો થયો છે. જેમાં તેમણે મુંદરા ટ્રેડ રૂટ ઇઝરાયલ માટે શ્રેષ્ઠ હોવાની ઘોષણા કરી હતી. જે કચ્છના બંદર માટે વધુ ઝડપી વિકાસની સંભાવનાઓ સુનિશ્ચિત કરે છે. `રેડ-સી' તરીકે જાણીતા સમુદ્રી વિસ્તારમાં ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજો પર ગાઝા યુદ્ધ સાથે યમનના બળવાખોર હુતીઓ સતત હુમલો કરી રહ્યા છે. વચ્ચે મીરી રેગેવે કચ્છના મુંદરા બંદરને સાંકળતા નવા વૈકલ્પિક માર્ગની જાહેરાત કરી હતી. રેગેવએ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, `હવે આપણે ઉત્તરમાં ભારતના સૌથી મોટા બંદર મુંદરા બંદરમાં છીએ, જ્યાંથી માલસામાન બહાર જાય છે. કન્ટેનર યુએઈમાં નિકાસ થાય છે અને યુએઈથી જમીન માર્ગે ઈઝરાયલમાં જાય છે. યુદ્ધે આપણી સામે પડકારો ઊભા કર્યા છે.  સૌથી મોટો પડકાર છે કે, આપણે ઇઝરાયલમાં માલ કેવી રીતે લાવી શકીએ. કારણ કે, ઇઝરાયલ એક દરિયા કાંઠાનો  દેશ છે અને મોટા ભાગનો માલ દરિયાઇ માર્ગે આવે છે. હવે માલ કાર્ગો મુંદરાથી દરિયાઇ માર્ગે બંદરો સુધી જશે અને પછી સાઉદી અરેબિયા અને જોર્ડન થઈને ઈઝરાયલ સુધી તેને ટ્રક અથવા ટ્રેનમાં લોડ કરવામાં આવશે.' નોંધનીય છે કે, હુતી બળવાખોરો રેડ-સીમાં ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજો પર હુમલો કરી રહ્યા છે, જેમાં ઇઝરાયલને ઘણું સહન કરવાનું આવે છે. આનાથી તેનો વૈશ્વિક વેપાર પણ ખોરવાયો છે, લગભગ 12 ટકા વિશ્વ વ્યાપાર રેડ-સીમાંથી પસાર થાય છે. રેડ -સી હિંદ મહાસાગરને સુએઝ કેનાલ દ્વારા ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. માર્ગમાં વર્તમાન ભયને ટાળવા માટે જહાજો આફ્રિકાના દક્ષિણ તરફ જઈ રહ્યા છે. જેનાથી ખર્ચ અને સમય બંને વધે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલ નવા કરાર મુજબ હવે જહાજો પાસે રેડ-સી પાસેથી પસાર થવાનો ઇનકાર કરવાનો અધિકાર છે, આવી સ્થિતિમાં, ઇઝરાયલ રેડ-સીને બાયપાસ કરીને વેપાર કરવા માટેના માર્ગો શોધી રહ્યું હતું. પ્રયાસમાં ભારત સાથે વ્યવહાર અને તેમાં મુંદરાનો વિકલ્પ ઈઝરાયલ માટે સૌથી સારો છે અને એટલે ઇઝરાયલના મંત્રી અહીં આવ્યાં હતાં. આથી હવે મુંદરાથી માલસામાન યુએઈનાં બંદરો પર, જેમ કે, દુબઈના જેબેલ અલી બંદર સુધી દરિયાઈ માર્ગે અને પછી જમીન મારફતે સાઉદી અરેબિયા અને જોર્ડન થઈને ઈઝરાયલ સુધી જાય છે. જમીન પરિવહનનો મોટો ભાગ ટ્રકો પર કરવામાં આવશે. ઇઝરાયલ અને આરબ મીડિયાના અહેવાલો અનુસાર, ટ્રકોનું સંચાલન બે શાપિંગ કંપનીઓ, ઇઝરાયલની ટ્રકનેટ અને યુએઇની પ્યોરટ્રાન્સ દ્વારા કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, સૂચિત ભારત મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરમાં પણ   રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતને મધ્ય પૂર્વના માર્ગે યુરોપ સાથે જોડવાનો છે, પરંતુ તેનું અંતિમ સ્વરૂપ હજુ નક્કી કરવાનું બાકી છે ત્યાં ગાઝા યુદ્ધ ફાટી નીકળ્યું હતું.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang