• શનિવાર, 27 જુલાઈ, 2024

પોલીસના નેજા હેઠળ ભુજવાસીઓની મેરેથોન

ભુજ, તા. 11 : સીમાની સુરક્ષા કરતી કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ તથા સીમાવર્તી લોકો સાથે સંકલન વધુ મજબૂત બને તાદાત્મ્ય વધારવાના આશયથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બગડિયાની યજમાનીમાં સ્પોર્ટસ મીટ 2024ની નવી પહેલના ભાગરૂપે આજે પશ્ચિમ કચ્છમાં ઠેર-ઠેર ભવ્ય મેરેથોન દોડનું આયોજન થયું હતું. સ્પોર્ટ્સ મીટમાં ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે હાજર રહી નવી પહેલને બિરદાવી હતી અને હેતુ પાર પડે તે માટે કાર્યક્રમો પણ આપ્યા હતા. મેરેથોન દોડને આજે સવારે જિલ્લામથક ભુજમાં જ્યુબિલી મેદાનથી સરહદી રેન્જ ભુજના આઈ.જી. જે.આર. મોથલિયા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકી, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી તથા વહીવટી અધિકારીઓની હાજરીમાં `સ્વચ્છ કચ્છ, ફિટ કચ્છ', `ડ્રગ્સ ઉન્મુલન', ટ્રાફિક અને `સાયબર અવેરનેસ' અંગે જાગૃતિ આવે તે બાબતે શપથ લેવડાવી લીલીઝંડી આપી મેરેથોન દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મેરેથોન દોડમાં આર્મિ, બીએસએફ, એરફોર્સ, ભુજ-માધાપર શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ, વરિષ્ઠ લોકો અને મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મેરેથોન જ્યુબિલી મેદાનથી શરૂ થઈ પ્રિન્સ રેસિડેન્સી, આર.ડી. વરસાણી સ્કૂલ, લેવા પટેલ હોસ્પિટલ થઈ જ્યુબિલી મેદાને પૂર્ણ થઈ હતી. ભુજની મેરેથોન દોડમાં ભાઈઓમાં 18 વર્ષથી નીચેનામાં પ્રથમ મોહિત વીરસિંઘ જાગીર, દ્વિતીય પ્રિશાંતસિંઘ બાલમ ઠાકુર અને તૃતીય અમીત રાઠોડ, જ્યારે 18થી 55 વર્ષમાં પ્રથમ અંકુરકુમાર વિપુલરાય, દ્વિતીય મણિ નિહામારામ કલાઈ અને તૃતીય મંગેશ રઘુનાથ કામલે ઉપરાંત બહેનોમાં 18 વર્ષથી નીચેમાં પ્રથમ જિયા મનોજકુમાર પટેલ, દ્વિતીય સ્નેહાબેન  ગોવિંદભાઈ હીરાણી અને તૃતીય ભાવિનીબેન લાલજીભાઈ ભુવા, 18થી 55 વર્ષમાં પ્રથમ કાજલબેન સંજયભાઈ ગરવા, દ્વિતીય મિનીષાબેન કાળુભાઈ ઝાપડિયા અને તૃતીય જાગૃતિબેન દેવજીભાઈ રાબડિયા, જ્યારે સિનિયર સિટીઝનમાં પ્રથમ મુકેશભાઈ લખમશી જણસારી, દ્વિતીય પંકજભાઈ રવિલાલ શાહ અને તૃતીય ડો. વિજયસિંહ મેઘરાજસિંહ જાડેજા અને સિનિયર સિટીઝન મહિલામાં શ્યામાબેન મનહરભાઈ ધોબી વિજેતા જાહેર થયા હતા.  ભુજની મેરેથોન દોડમાં નાયબ પોલીસ અધીક્ષક . આર. ઝણકાંત, આર. ડી. જાડેજા, શ્રી ક્રિશ્ચિયન તથા અને બી-ડિવિઝન તેમજ એલસીબીના અને પોલીસ અધીક્ષક કચેરીના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang