• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

વિકાસની પાંખે બેસી ટપકેશ્વરી-ભૂતનાથ મહાદેવ તીર્થધામ કચ્છની ઓળખ બનશે

ભુજ, તા. 11 : પ્રવાસનના નકશામાં કાઠું કાઢી વિશ્વનું ધ્યાન ખેંચનારા સંસ્કૃતિ અને ધાર્મિક વિરાસતના ધણી એવા કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે બે ઐતિહાસિક ધાર્મિક સ્થળ ટપકેશ્વરી અને ભૂતનાથ મહાદેવ તીર્થધામના વિકાસ માટે સરકાર દ્વારા 25 કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરાતાં આગામી સમયમાં ભુજવાસીઓ અને પ્રવાસીઓને કુદરતના ખોળે ધબકતાં બે નવાં સ્થળની ભેટ મળશે તેવી આશા સાથે આનંદની લાગણી ફેલાઈ હતી. ભુજથી દશ કિ.મી.ના અંતરે આવેલા ચાર એકરના વિસ્તારમાં ડુંગરોની હારમાળા વચ્ચે સ્થિત ટપકેશ્વરી મંદિરના વિકાસ માટે ટપકેશ્વરી સર્વોદય સાર્વજનિક ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ રહે છે. અંગે વિગતો આપતાં નવનિયુકત ટ્રસ્ટી અને સુધરાઈના પૂર્વ કારોબારી ચેરમેન જગત વ્યાસનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં ટ્રસ્ટીઓ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ પટેલને સ્થળના વિકાસ માટે રજૂઆત કરાઈ હતી. જેને પગલે તેમણે 15મી ઓગષ્ટના કચ્છ આવેલા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને મંદિરના ઈતિહાસથી વાકેફ કર્યા હતા. ઉપરાંત બજેટમાં ટપકેશ્વરીના સર્વાંગી વિકાસ માટે નાણાંની જોગવાઈ કરવાની ખાતરી આપી હતી, જે સાર્થક થઈ હતી. કચ્છના વૈષ્ણોદેવી સમાન લેખાતા સ્થળને વિકસાવવા ટ્રસ્ટી મંડળ અને ટુરિઝમ અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. ઉપરાંત લોકોની સુવિધા માટે નવ મીટર પહોળો ડામર રોડ પણ સૂચિત કરાયો હતો. કેશુભાઈની દેખરેખ હેઠળના પ્રોજેકટ માટે ગઈકાલે 15 કરોડ મંજૂર કરાતાં ટ્રસ્ટી મંડળે ભાજપ સરકાર તથા ધારાસભ્યનો આભાર માન્યો હતો. તો ખારીનદીના સાંનિધ્યમાં આવેલા ભૂતનાથ મહાદેવ તીર્થધામને વિકસાવવા 10 કરોડ ફાળવણીની જાહેરાત કરાઇ હતી. ભૂતનાથ સેવા સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી પરાક્રમસિંહ જાડેજા, પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન તેમજ ભૂતનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મહિદીપસિંહ જાડેજાના સઘન પ્રયત્નો અને રજૂઆતોને ધ્યાને લઇને ધારાસભ્ય કેશુભાઇ પટેલ દ્વારા રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ મંદિરને તીર્થધામ તરીકે વિકસાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરાઇ હતી. જેના પગલે રૂા. 10 કરોડ મંજૂર કરાયા હતા. સહિયારા આયોજનથી તીર્થધામ વધુ સગવડભર્યું, સુવિધાજનક અને સુંદર સોહામણું અને દર્શનીય બનશે ત્યારે પ્રમુખ તથા ટ્રસ્ટીઓ, સેવકગણ, ભાવિકો દ્વારા કચ્છના વિકાસના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ધારાસભ્ય કેશુભાઇનો આભાર વ્યક્ત કરાયો હતો. આગામી સમયમાં વિકાસની પાંખે બેસી બંને પવિત્ર સ્થળો કચ્છની ઓળખ બનશે તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી.

Youtube Live

Budget 2024 LIVE

Panchang