મુંબઇ, તા. 2 : ભારતીય શેરબજારે દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરી
હોય તેમ સોમવારે સળંગ ત્રીજા દિવસે તેજીના તોખાર પર સવાર બજારમાં રોકાણકારોના ઉત્સાહનું
પ્રતિબિંબ ઝીલાયું હતું. બજારના બેન્ચમાર્ક સેન્સેક્સ 1233 પોઇન્ટના ઉછાળા સાથે દિવસના અંતે 75,692.78 પર એટલે કે સાત સપ્તાહની ટોચ પર બંધ થયો હતો.
સેન્સેક્સમાં 1.66 ટકાના ઉછાળાથી ઐતિહાસિક ઉછાળા સાથે નિફટી પણ 387.70
અંક એટલે કે 1.68 ટકાની તેજી સાથે 23,440.80ના સ્તર પર બંધ થયો હતો. બજારને આ વિક્રમી ઊંચાઇ પર પહોંચાડવામાં મુખ્યત્વે કોમોડિટીઝ
અને એનર્જી ક્ષેત્રના શેરોનું મોટું યોગદાન રહ્યું હતું. નાના શેરોમાં પણ સોમવારે તેજી
જોવા મળી હતી. સેન્સેક્સના દિગ્ગજ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઇ, એનટીપીસી,
મારુતિ સુઝુકી, બજાજ ફાયનાન્સ અને એચડીએફસી બેંક
જેવા શેરો ઊંચા મથાળે બંધ થયા હતા. બીજી તરફ ઈન્ફોસીસ, કોટક મહિન્દ્રા
બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસના શેરોમાં
સાધારણ વેચાવલી જોવા મળી હતી. બજારના જાણકારોના મતે આ તેજી પાછળ મજબૂત ઘરેલુ અને વૈશ્વિક
કારણો જવાબદાર છે. કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાનાં ધારણાથી ઊંચાં પરિણામોએ રોકાણકારોનો
ભરોસો વધાર્યો છે. વૈશ્વિક મોરચે પણ ભારતીય બજારો માટે સ્થિતિ સાનુકૂળ બની રહી. ક્રૂડ
તેલની કિંમતોમાં નરમીની સાથે અમેરિકા અને ઈરાન વચ્ચે કૂટનીતિક કોશિશો ફરી શરૂ થવાથી
ભૂ-રાજકીય જોખમોની ચિંતા પણ ઓછી થઈ છે. એ સિવાય ઓકટોબર મહિના દરમ્યાન યાત્રી વાહનોનાં
વેચાણમાં જોરદાર વધારાએ બજારમાં તહેવાર પ્રેરિત તેજીની પ્રતીતિ કરાવી છે. આમ આર્થિક
ગતિવિધિઓ માટે ઉત્સાહ વધુ વધ્યો છે. સાથોસાથ જીએસટી વસૂલાતમાં જંગી વધારાએ દેશમાં મજબૂત
ઘરેલુ ખપત અને આર્થિક મજબૂતી પર મહોર લગાવી છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સતત ત્રીજા
દિવસે જોવા મળેલા સુધારામાં રિલાયન્સની કેર્ટન્સ ઇનિંગ્સ જોવા મળી હતી. શુક્રવારે બજાર
પછી આવેલા રિલાયન્સ અને જિઓ પ્લેટફોર્મ્સનાં પરિણામોનું એનાલિસીસ શનિ-રવિમાં થયા પછી
સોમવારે રિલાયન્સમાં શરૂ થયેલી જોરદાર લેવાલીમાં આ માર્કેટ લીડર શેર 11.60 ટકા, રૂા. 135.10 ઉછળી 1300ના સ્તરે બંધ રહ્યો અને તેણે એ જે-જે ઇન્ડેક્સનો ઘટક છે એ તમામને સારા પ્રમાણમાં
વધાર્યા હતા. રિલાયન્સનો છેલ્લા છ વર્ષનો આ સૌથી મોટો દૈનિક ઉછાળો હતો. બ્રેન્ટ ક્રૂડ
તેલનો ભાવ 110 ડોલરથી પણ નીચેના સ્તરે આવી ગયાની બજારના સેન્ટિમેન્ટ પર અત્યંત સાનુકૂળ અસર થઇ
હતી. યુએસ મિડટર્મ ઇલેક્શનમાં ટ્રમ્પના પક્ષના દેખાવ પર નજર છે. એક-બે દિવસમાં ચિત્ર
સ્પષ્ટ થઇ જશે. ઇઝરાયલના પ્રધાનપદ માટેનું કોકડું હજુ આ સપ્તાહના અંત સુધી ઉકેલાય એવું
લાગતું નથી. મુહૂર્તમાં શું લેવુ : મુહૂર્ત ટ્રેડિંગ માટેના રિપોર્ટો બહાર આવવા લાગ્યા
છે. તેમાં પીએલ કેપીટલે એપોલો હોસ્પિટલ મુહૂર્તમાં લેવાનું રૂા. 9800થી 10400ના ટાર્ગેટ સાથે, ડીએલએફ રૂા. 860થી 960ના લક્ષ્ય સાથે અને જિંદાલ સ્ટીલ રૂા. 1290થી 1360ના ટાર્ગેટ માટે જણાવ્યું છે. એસબીઆઇ સિક્યોરિટીસના આવા લિસ્ટમાં સેન્ટમ ઇલેક્ટ્રોનિક્સ(
લક્ષ્ય રૂા. 4980), જીનસ પાવર ટાર્ગેટ રૂા. 320 અને ઇન્ડિયન હોટેલ્સ (લક્ષ્ય રૂા. 935) છે. એક્સિસ સિક્યોરિટીસે મુહૂર્તમાં એલીકોન એન્જિનીયરિંગ અને ડીસીબી બેન્ક 20 ટકાના ગેઇન માટે લેવાનું સૂચવ્યું છે. આ શેરો અનુક્રમે રૂા. 438 અને રૂા. 188ના સ્તરે સોમવારે બંધ હતા.