ભુજ, તા. 18 : કચ્છમાં એક તરફ આભમાંથી અંગારા
ઓકતી ગરમીનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. બીજી તરફે રવિવારથી બે દિવસ જિલ્લામાં પ્રતિ કલાક
20થી 30 કિ.મી.ની ઝડપે ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાય તેવી હવામાન વિભાગે
આગાહી કરી છે. 43.8 ડિગ્રી સાથે અંજાર-ગાંધીધામે
રાજ્યનાં મોખરાનાં ગરમ મથકોમાં અગ્રસ્થાન જાળવી રાખ્યું હતું. અંજાર-ગાંધીધામમાં મહત્તમ પારો સહેજ નીચે ઊતરવા
છતાં 43.8 એટલે કે, 44 ડિગ્રીની
નજીક નોંધાતાં કાળઝાળ ગરમીથી લોકો રીતસરના તોબા પોકારી ઊઠયા છે. સામાન્યથી ચારથી પાંચ
ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં ચમડી દઝાડતો તાપ અનુભવાયો હતો. આ તરફ જિલ્લા મથક ભુજમાં
પણ મહત્તમ પારો 41 ડિગ્રીના
આંકે અટકેલો રહ્યો હતો. પ્રતિ કલાક 11 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા લૂ ઓકતા પવને તાપની દાહકતાને વધારી
હતી. લઘુતમ પારો પણ 24થી 26 ડિગ્રી જેટલો ઊંચો નોંધાતાં
રાત્રે પણ વાતાવરણમાં શીતળતાના બદલે ઉકળાટ અનુભવાયો હતો. નલિયામાં 36 અને કંડલા પોર્ટમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
હતું. હવામાન વિભાગે બે દિવસ મહત્તમ પારો ઘટવા અને તે પછી ફરી તાપમાન ઊંચકાવવાની સંભાવના
દેખાડી છે. હજુ એક દિવસ ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી આપતું યલો એલર્ટ યથાવત્ રખાયું
છે, તો ગરમીમાં મામૂલી રાહત મળવા સાથે ધુળની ડમરી
ઉડાડતો પવન ફૂંકાય તેવી આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૈત્રી
દનૈયા શરૂ થયા ત્યારથી તાપ યથાવત્ રહે તો તેને સારા વરસાદ માટે શુભ સંકેત માનવામાં
આવી રહ્યો છે.