• શનિવાર, 19 એપ્રિલ, 2025

મુંદરાની ખંડણીખોર ટોળીના એક સભ્ય સામે વધુ એક ફોજદારી દાખલ

ભુજ, તા. 18 : મુંદરામાં ગત 11-4ના ખંડણી વસૂલનારા ચાર આરોપીને પોલીસે પકડયા બાદ તે પૈકીના જ એક આરોપી સકીલ જાકબ ધુઈયા સામે બારોઈમાં પઠાણી ઉઘરાણી તથા પ્લોટ-જમીન પડાવી લેવાનો વધુ એક ગુનો મુંદરા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ખેતમજૂરી કરતા ફરિયાદી અબ્દુલકરીમ હાજી ભજીરે આરોપી સકીલ પાસેથી ટુકડે-ટુકડે રૂા. પાંચ લાખ વ્યાજે લીધા હતા, જેના બદલે એક વર્ષ સુધી માસિક વ્યાજ ચૂકવ્યું હતું. ત્યાર બાદ પાંચ લાખ થઈ જતાં તેનું 10 ટકા લેખે ત્રણ મહિના સુધી વ્યાજ ભર્યું હતું. તે પછી ફરિયાદી વ્યાજ ન ભરી શકતાં આરોપી સકીલે અબ્દુલકરીમ તથા તેના પુત્રને ફોન પર તથા રૂબરૂમાં ધમકાવવા  સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી રૂપિયાના બદલે ફરિયાદીનો પ્લોટ તથા જમીન બળજબરીપૂર્વક લખાવી લઈ તથા તેમના ભાઈ પાસેથી પણ પ્લોટનો કબજો લખાવી લીધો હતો. પોલીસે આ મામલે સકીલ સામે ગુનો નોધીં આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 11-4ના આરોપી સકીલ તથા અન્ય ત્રણ આરોપી વિરુદ્ધ ધાકધમકી કરી  ખંડણી માગ્યા બાદ મકાનના દસ્તાવેજ તથા કાર લખાવી લેવાનો આરોપ લાગ્યો હતો. આ ટોળકી સામે અન્ય ગુના પણ નોંધાયા છે, તે વચ્ચે ટોળીના સભ્ય સકીલ સામે વધુ એક ફોજદારી ગુનો નોંધાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd