• શનિવાર, 19 એપ્રિલ, 2025

કાશ્મીરમાં આતંકવાદની સામે લાંબો અને પડકારભર્યો જંગ

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેનો અવિરત જંગ  વધુ એક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આતંકની ઓટ અને ભરતીના આ તાલમાં હાલે સલામતી દળોએ તેમની કાર્યવાહીને વધુ સતત અને તીવ્ર બનાવવા પર સતત ધ્યાન આપ્યું છે, પણ જે રીતે આતંકવાદની સમસ્યાનો કોઈ અંત જણાતો નથી, તે જોતાં આ જંગ હજી લાંબો ચાલશે એમાં કોઈ શંકા જણાતી નથી. સલામતી દળો અને આતંકવાદીઓની સામે અથડામણો સતત થતી રહે છે, જેમાં અમુક આતંકીઓ માર્યા પણ જાય છે અને કમનસીબે સલામતી દળોના જવાન પણ ક્યારેક શહીદ થતા રહે છે. આ સતત ચાલતી કાર્યવાહીને લીધે દેશમાં સતત ચિંતા જાગેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુના અખનૂર વિસ્તારમાં નિયંત્રણરેખા પર આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસની સામે જવાનોએ બાથ ભીડી હતી. ગયા સપ્તાહે મોડી રાત્રે બનેલા બનાવમાં ભારે શત્રોથી સજ્જ આતંકીઓની સામે સલામતી દળોએ મોરચો ખોલી નાખ્યો હતો.  દળોએ આ ત્રાસવાદીઓના ભારતમાં ઘૂસવાના ઈરાદાને આબાદ રીતે વિફળ બનાવ્યો હતો, પણ આ કાર્યવાહીમાં ભારતના એક સુબેદારે પોતાનાં જીવનની કુરબાની આપી હતી. આમ, એક તરફ આતંકીઓને મારી હટાવવાની સફળતાનો આનંદ હતો, તો બીજી તરફ એક સાથીને ગુમાવવાનો શોક હતો. કમભાગ્યે સતત ચાલતી આતંકવાદ સામેની કાર્યવાહીમાં આવા પ્રસંગ હવે નિયમિત થવા લાગ્યા છે. હાલત એવી છે કે, કાશ્મીરની સાથે હવે જમ્મુ વિસ્તારમાં પણ સરહદ પારથી આતંકી ઘૂસણખોરીના બનાવો વધી રહ્યા છે. સલામતી દળોની કડક અને ત્વરિત કાર્યવાહી છતાં આ બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. થોડા થોડા દિવસે આતંકીઓ નાગરિકોને નિશાન બનાવે છે, તેની સાથોસાથ સલામતી દળોના કેમ્પ પર પણ હુમલા કરે છે.  ખાસ તો અન્ય રાજ્યોના નાગરિકોને નિશાન બનાવવાની વ્યૂહરચના આતંકીઓ અપનાવી રહ્યા છે. આ એક પડકારભરી અને ચિંતાજનક સ્થિતિ છે. આમ તો સલામતી દળોની કાર્યવાહીમાં આતંકીઓનો ખાતમો પણ થતો રહે છે. ગયા સપ્તાહે કિશ્તવાડમાં ત્રણ આતંકવાદી ઠાર થયા ત્યારે સલામતી દળોની કાર્યવાહીને બિરદાવાઈ હતી. જો કે, આવી સફળતા અને સલામતી દળોના મક્કમ નિર્ધાર છતાં, સરહદ પારથી આતંકીઓની ઘૂસણખોરી સતત ચાલતી રહી છે અને હુમલા પણ વધી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાને આતંકીઓ નિયંત્રણરેખા પરથી ઘૂસણખોરી કરી શકે તે માટે સંઘર્ષવિરામનું ઉલ્લંઘન વધાર્યું છે.  ભારતીય દળો નિયંત્રણરેખા પર વળતો જવાબ પણ આપી રહ્યાં છે.  જો કે, નિયંત્રણરેખા પર ગાઢ જંગલો, પર્વતો હોવાને લીધે પાકિસ્તાનના ગોળીબારની આડમાં ભારતમાં ઘૂસવાની વેતરણમાં રહેતા આતંકીઓને રોકવાનું કામ ભારે મુશ્કેલ બની રહે છે. ખરેખર તો જમ્મુ અને કાશ્મીરની હાલની સ્થિતિ પરથી જણાય છે કે, આતંકવાદની સામેનો જંગ હજી લાંબો અને પડકારભર્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd