• શનિવાર, 19 એપ્રિલ, 2025

કોજાચોરામાં રોયલ્ટી કરતાં વધુ ખનિજ ભરેલી બે ટ્રક ઝડપાઈ

ભુજ, તા. 18 : માંડવી તાલુકાના કોજાચોરના નજીકથી રોયલ્ટી કરતાં વધુ ખનિજ (બોક્સાઈટ) ભરેલી બે ટ્રકને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પકડી પાડી રૂા. 3,17,707નો રોકડ દંડ ફટકાર્યો હતો, તો ગોધરા-ડોણ માર્ગ પર પરમિટ વિનાની રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાતાં રૂા. 32,560નો દંડ કરાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, કોડાપ પોલીસ મથક વિસ્તારમાં વાહન તપાસણીમાં રહેલી પોલીસે કોજાચોરા ફાટક પાસેથી બોક્સાઈટ ભરીને આવતી જીજે 12 બીવાય 8162 અને જીજે 12 બીએક્સ 4616વાળી બે ટ્રકને રોકાવી હતી. બંને ચાલક જલાભાઈ રામાભાઈ રબારી અને નવીન ઓસમાનભાઈ કોલી પાસે રહેલા રોયલ્ટી પાસમાં દર્શાવેલા ખનિજને સરખાવવા બંને ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી રોયલ્ટી કરતાં સાત-સાત ટન બોક્સાઈટ ભરેલું મળી આવ્યું હતું. તેથી પોલીસે બંને વાહન જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગને જાણ કરતાં વિભાગના અધિકારી દ્વારા રૂા. 3,17,707નો દંડ વસૂલાયો હતો. તો બીજી તરફ ગોધરાથી ડોણ તરફ જતા માર્ગ પર જીજે 12 એએન 2540વાળું રેતી ભરેલું ટ્રેક્ટર પકડાયું હતું. જેથી વાહનચાલક સોયબ સલીમભાઈ ચાકીને રેતી અંગેના પાસ-પરમિટ બાબતે પૂછતાં તે આપી શક્યો નહોતો. તેથી વાહન જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓને જાણ કરાતાં કુલ રૂા. 32,560નો દંડ વસૂલાયો હતો. બંને કાર્યવાહીમાં એલસીબી પીઆઈ એસ. એન. ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર. જેઠી, વાય.કે. પરમાર, હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઈ રાવલ, લીલાભાઈ રબારી, મૂળરાજભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd