ભુજ, તા. 18 : કચ્છ જિલ્લા તલાટી મંડળની ગત
માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ વિજય ગોસ્વામીનો
સત્કાર સમારંભ તેમજ તલાટી મંડળની સમિતિના અન્ય હોદ્દેદારોની વરણી કરવા માટેનો કાર્યક્રમ
યોજાયો હતો. આજે જિલ્લા પંચાયતના સભાખંડમા યોજાયેલા બિનહરીફ તરીકે ચૂંટાયેલા પ્રમુખ
વિજયગિરિ ગોસ્વામીના સત્કાર સમારંભમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં જિલ્લા પંચાયત પ્રમુખ
જનકસિંહ જાડેજાએ મંડળના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, સરકારે જ્યારે તલાટી તરીકેની જવાબદારી સોંપી
છે, ત્યારે ગામડાંના નાનામાં નાના લોકોને સરકારી સહાય મળે તેમાં
મદદરૂપ બનવા શીખ આપી હતી, તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાંના વિકાસમાં સૌથી વધુ જો પાયાનું કામ કરતા હોય તો તે તલાટી છે,
તેથી મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવા હાકલ કરી હતી. તેમણે તમામ
તલાટીઓને પોતાના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો પાસેથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી વેરા વસૂલાત
કરી ગામડાઓનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો. સતત ત્રીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયેલા
શ્રી ગોસ્વામીએ જિલ્લા પંચાયત પ્રમુખનાં સૂચનોને નિભાવવાની ખાતરી આપી ગામડાઓમાં ઓનલાઈન
કામગીરીના ભારણ વચ્ચે ઈન્ટરનેટના નેટવર્કની
તલાટીઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી.આ સત્કાર સમારંભમાં મંડળની સમિતિના
અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં મહામંત્રી તરીકે
રૂપસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ જાડેજા અને વૈભવ
પ્રજાપતિ, ઉપપ્રમુખો
રાજલબેન ગઢવી, જયેન્દ્રસિંહ વાઘેલા, રાઘવદાન
ગઢવી, હિતેશ વરૂ, જીતુદાન ગઢવી,
સહમંત્રી રોહિત ડાભી, સંગઠન મંત્રી ગંગારામ મકવાણા,
ખજાનચી નિખિલપુરી ગોસ્વામી, ઓડિટર લતીફ ભટ્ટી અને
મયંક ગઢવી, મીડિયા પ્રવક્તા શરદભાઈ મોતા, કાર્યાલય મંત્રી હર્ષદભાઈ ચૌધરી, મહિલા પ્રતિનિધિઓ જાહ્નવીબેન
ઉપાધ્યાય અને ગીતાબેન ગઢવીની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય ભચુભાઈ
વેદ, રાપર નગરપાલિકાના શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા,
રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી, રાપર
નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભીખુભા સોઢા, હકુભા સોઢા, રાપર તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગુમાનસિંહ સોઢા, કચ્છ જિલ્લા
તલાટી મંડળના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, સહિતના આગેવાનો, અધિકારીઓ, તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ઉપપ્રમુખ
રાઘવદાન ગઢવીએ કર્યું હતું.