મુંબઈ, તા. 17 : વૈશ્વિક સકારાત્મક પરિબળો અમેરિકા-
જાપાન વચ્ચે ટેરિફ મડાગાંઠમાં ઉકેલની અપેક્ષાઓ અને એફઆઈઆઈ દ્વારા શરૂ થયેલી ખરીદીનાં
કારણે આજે સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભિક નરમાઈ બાદ નક્કર
ખરીદી નીકળતાં નિફ્ટી 23,700ના સ્તરને
પાર કરી ગયો હતો. સત્રના અંતે સેન્સેક્સ 1508.91 પોઈન્ટ્સ વધી 78,553.20 પોઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 414.45 પોઈન્ટ્સ વધી 23,851.65 પોઈન્ટ્સના સ્તરે બંધ આવ્યા હતા. આજે જોવા મળેલી વ્યાપક ખરીદીમાં
ફાયનાન્સિયલ્સ, ઓટો, ઓઈલ અને ગેસ જેવાં ક્ષેત્રોએ તેજીનું નેતૃત્વ કર્યું હતું. આવતીકાલે ગુડ ફ્રાઈડે
નિમિત્તે શેરબજારમાં રજા હોવાથી અને શનિ અને રવિવારે સાપ્તાહિક રજાઓ હોવાનાં કારણે
આજે સપ્તાહનાં કામકાજનો આખરી દિવસ હતો. સત્રની શરૂઆત નબળી થઈ હતી, પરંતુ બપોરના સત્ર બાદ રિકવરી શરૂ થઈ હતી અને બંને સૂચકાંકોમાં ખરીદી મજબૂત
પણે આગળ વધી હતી. શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી નોંધાઇ હતી. રોકાણકારોની સંપત્તિમાં
ચાર લાખ કરોડનો વધારો થયો હતો. ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક,
ગ્રાસીમ, સનફાર્મા અને ઝોમાટોના શેર્સ સૌથી અધિક
વધ્યા હતા, જ્યારે વિપ્રો, ટેક મહિન્દ્રા,
એચસીએલ ટેક., જેએસડબ્લ્યુ સ્ટીલ અને એલએન્ડટીના
શેર્સ સૌથી વધારે ઘટયા હતા. આજે ભારતીય રૂપિયો સતત ચોથા સત્રમાં વધ્યો હતો અને તે કારણે
રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો હતો. આજે એશિયન શેરબજારોમાં વ્યાપક સ્તરે સુધારો
જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી એક ટકા કરતાં અધિક વધ્યો હતો, તે સાથે જપાનનો નિક્કી 225, 1.32 ટકા વધ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ પણ એક ટકા કરતાં વધારે વધ્યો હતો. યુરોપના શેરબજારો
જો કે નરમાઈ સાથે શરૂ થયા હતા. જર્મન ડેક્સ 0.25 ટકા, લંડન શેરબજાર
0.51 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.32 ટકાના ઘટાડે શરૂ થયા હતા. ઈસીબીના
નિર્ણય પહેલાં યુરોપનાં બજારોમાં સાવધ વલણ જોવા મળ્યું હતું. અમેરિકામાં ટેરિફવોરના
કારણે મંદીના આસાર હોવાથી એફઆઈઆઈ દ્વારા ભારતમાં ફરી રોકાણ શરૂ થયું છે અને તેનો લાભ
સ્થાનિક શેરબજારને મળી રહ્યો હોવાનું સમીક્ષકોનું કહેવું છે. ગયા બુધવારે એફઆઈઆઈ દ્વારા
રૂા. 3936 કરોડના શેર્સની ખરીદી કરવામાં
આવી હતી. જ્યારે સ્થાનિક ફન્ડોએ રૂા. 2513 કરોડના શેર્સ વેચી નફો અંકે કર્યે હતો. જિઓજીત ફાયનાન્સિયલ સર્વિસીસના
વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર સ્થાનિક ઊંચી માંગ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના લાર્જકેપ
શેર્સમાં એસઆઈઆઇ દ્વારા ખરીદીનો દોર જળવાઈ રહેશે.