• શનિવાર, 19 એપ્રિલ, 2025

રાપરમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 18 : રાપરમાં બે વર્ષ પહેલાંના મારામારી, રોયોટિંગના ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડવા પોલીસ તેના ઘરે જતાં ઘરના સભ્યોએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરોપીને નાસી જવામાં મદદ કરી પોલીસ કાર્યવાહીમાં અડચણ કરતાં 10 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. રાપરના આરોગ્ય કેન્દ્રની સામે રહેનારા હરેશ નામેરી રાઠોડ વિરુદ્ધ વર્ષ 2024માં રાયોટિંગ, મારામારી સહિતની કલમો તળે ગુનો નોંધાયેલો છે ત્યારથી આ શખ્સ પોલીસના હાથમાં આવ્યો નથી. તે તેના ઘરે હાજર હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો આ શખ્સના ઘરે પહોંચ્યો હતો. દરમ્યાન નામેરી બાઉ રાઠોડ, ગોમીબેન નામેરી રાઠોડ, નરેશ નામેરી, વિપુલ નામેરી, સચિન હરેશ, સુનીલ હરેશ, અશોક નામેરી, ભાવનાબેન નામેરી, મિત્તલબેન હરેશ નામેરી રાઠોડે પોલીસને ગાળો આપી હતી અને પોલીસને બહાર કાઢવા ધક્કામુક્કી કરી હતી. બંધ દરવાજો ખોલવાની કોશિશ કરાતાં પરિવારજનો વચ્ચે આવી ગયા હતા. હરેશને પકડવા જતાં પરિવારે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. હરેશ નાસી જતાં તેનો પીછો કરવા ઘરમાં જવાની કોશિશ કરાતાં પી.એસ.આઇ. પી.એલ. ફણેજાનું કોલર પકડી ધક્કો દઇ પાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. આ ધક્કામુક્કી અને ઝપાઝપી દરમ્યાન એક મહિલા કર્મચારીને પણ ધક્કો આપી નીકળી જવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ સાથે માથાકૂટ કરી કાર્યવાહીમાં અડચણરૂપ થવાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd