પાટણ/અમદાવાદ, તા. 17 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાતમાં અકસ્માતોએ માઝા મૂકી છે. સમી-રાધનપુર
હાઇવે પર આજે બેફામ એસ.ટી. બસે રાધનપુરથી અમરગઢ જતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં
સવાર તમામ છ જણનાં કરુણ મૃત્યુ થયાં હતાં. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના હોવાનું
જાણવા મળે છે. વધુ એકવાર એસ.ટી. બસના ચાલકની બેદરકારી ખૂલતાં સવાલો ઉઠયા છે. આ બસ રાધનપુરથી
હિંમતનગર જતી હતી અને માતાના મઢ, રાધનપુર,
મહેસાણા, હિંમતનગર રૂટની હતી. અકસ્માત સર્જાતાં
સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા, જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી. પ્રાપ્ત
માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રિક્ષામાં જઇ રહેલા
શ્રદ્ધાળુને સમી - રાધનપુર હાઇવે પર અકસ્માત નડયો હતો. સમી નજીક આવેલી હોટેલ પાસે બસે
રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રિક્ષામાં સવાર બાબુભાઈ ફૂલવાદી,
કાંતાબેન ફૂલવાદી, ઇશ્વરભાઇ ફૂલવાદી, તારાબેન ફૂલવાદી, નરેશભાઈ ફૂલવાદી અને સાયરાબેન ફૂલવાદી
સહિતના તમામ છ શ્રદ્ધાળુનાં મોત નીપજ્યાં છે.