• શનિવાર, 19 એપ્રિલ, 2025

હેરિટેજ સ્થળોને બચાવવા સ્વયં પહેલ જરૂરી

ભુજ, તા. 18 : `વર્લ્ડ હેરિટેજ-ડે' નિમિત્તે અહીંના પ્રાગમહેલથી શરૂ થયેલી હેરિટેજ વોકમાં 45થી વધુ ઈતિહાસપ્રેમી રસિકોએ તજજ્ઞો સાથે ભુજની ઐતિહાસિક ધરોહરોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. હેરિટેજ વોક વિશે માહિતી આપતા જાણીતા ઈતિહાસવિદ્ દલપતભાઈ દાણિધારિયાએ કહ્યું કે, ભુજની ધરોહરની યાદી બનાવતા 50થી વધુ સ્થળોની જાણકારી મળી. સ્વામિનારાયણની પ્રસાદીની 30થી વધુ જગ્યાઓ વિશે માહિતી મળી. પહેલા પણ મ્યુઝિયમ તરફથી તથા અન્ય ગાઈડો દ્વારા હેરિટેજ વોક કરાવાઈ હતી. હાલે પણ ચાર પ્રકારે હેરિટેજ વોક કરાવાય છે, જેમાં બે કલાકથી અડધો દિવસ સુધી પ્રાગમહેલની આજુબાજુ આખો દિવસ હોય તો હમીરસરની આજુબાજુ, ભુજની બધી જ સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી જગ્યાઓ જોવા માટે દોઢ દિવસની હેરિટેજ વોક તજજ્ઞો દ્વારા કરાવાય છે  27 વર્ષ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ટીચર એજ્યુકેટર તરીકે સેવા આપનારા જાણીતા કટાર લેખક સંજયભાઈ ઠાકરે કહ્યું હતું કે, હેરિટેજની વ્યાખ્યામાં ફક્ત શિલ્પ-સ્થાપત્ય જ નહીં, પરંતુ સંગીત, વનસ્પતિઓ, હસ્તકલાઓ સહિત અનેક સાંસ્કૃતિક રીતે મહત્ત્વની ધરોહરોનો સમાવેશ થાય છે. યુનેસ્કોની આ વર્ષની વર્લ્ડ હેરિટેજ-ડેની થીમ કુદરતી આપત્તિઓ તથા સંઘર્ષોથી જોખમ હેઠળનો વારસો છે. કુદરતી આપદાઓ, હવામાનના ફેરફારો, યુદ્ધ જેવા સંઘર્ષોથી વારસાને ઊભા થતા પડકારને દર્શાવતી આ થીમ કચ્છને સિધી રીતે લાગુ પડે છે. કચ્છમાં 200 જેટલી સેલોર વાવ છે. ભુજમાં પણ 10 સેલોર વાવ હતી, જેમાંથી આજે માત્ર ત્રણ-ચાર જ જોવા મળે છે, જે પણ અત્યંત દયનીય સ્થિતિમાં છે.  માતૃછાયા કન્યા વિદ્યાલયના શિક્ષિકા જાગૃતિબેન વકીલે હેરિટેજ વોકનાં આયોજનને બિરદાવ્યું હતું. ભુજના ટૂરિઝમના ગાઈડ રાજેશભાઈ માંકડ તથા દિનેશભાઈ મચ્છરે પ્રાગમહેલ, તોરણિયું નાકું, હોળી ચકલો, જૂની ટંકશાળ, મોટી પોશાળ જાગીર, હાથીસ્થાન, જૂની જેલ, જ્યુબિલી હોસ્પિટલ, ભૂકંપમાં નષ્ટ થયેલી જૂની ફળિયા સિસ્ટમ, રાજાશાહી સમયની મોટી શાકમાર્કેટ, ચાવડી સહિત ભુજના 476 વર્ષના ઈતિહાસ વિશે માહિતી આપી હતી. મોટી પોશાળ જાગીરના ગાદીપતિ પ્રવીણભાઈ ગોરજીએ પણ 474 વર્ષનો મોટી પોશાળ જાગીરનો ઈતિહાસ વર્ણવ્યો હતો.  કાર્યક્રમમાં ભુજ સહિત જિલ્લાના વિવિધ ગામો તથા અમદાવાદના ઈતિહાસપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક એમ.આઈ. બાયડ રહ્યા હતા. આભારવિધિ શ્રી મચ્છરે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd