ભુજ, તા. 3 : શહેરના સરપટ નાકા બહાર તુલસી મિલ પાસે રાકેશ
નામના 17 વર્ષીય કિશોરે જાતે શરીરને આગ ચાંપી જીવ દીધો
હતો, જ્યારે
ગાંધીધામમાંથી ત્યજી દેવાયેલું મળેલું બાળક ભુજના મહિલા આશ્રમમાં ઉછરી રહ્યું હતું.
સાત માસનું આ બાળક બીમાર થતાં તેનું મોત નીપજ્યું હતું. ભુજના સરપટ નાકા બહાર તુલસી
મિલ નજીક અમીના હુસેન જત પાસે રહી ત્યાં જ કામ કરતા રાકેશે આજે કોઇ અગમ્ય કારણોસર અગનપછેડી
ઓઢી પોતાની જાત જલાવી દેતાં તેનું મૃત્યુ થયું હતું. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સંબંધિત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રાકેશ નાનો
હતો, ત્યારે રેલવે સ્ટેશન પાસેથી અમીના જતને મળ્યો હતો. તેના
હાથ પર રાકેશ ત્રોફાવેલું હતું. આ રાકેશ અમીનાબેન પાસે મોટો થઇ ઊછર્યો હતો,
તેની પાસે જ રહી કામ કરતો હતો. બીજીતરફ ચાલુ વર્ષે જ ગાંધીધામમાંથી ત્યજી
દેવાયેલું બાળક મળતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે માતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ બાળકને ઉછેરવા-દેખભાળ માટે ભુજ મહિલા આશ્રમને સોંપાયું હતું. દરમ્યાન, આજે આ છ મહિના 21 દિવસનું
બાળક બીમાર થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું હતું, જ્યાં તેનું મૃત્યુ નીપજતાં
ભુજ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.