ગાંધીધામ, તા. 3 : મેઘપર બોરીચીની શિવધારા સોસાયટી નજીક માર્ગ
ઉપર છૂટક ગ્રાહકોને માદક પદાર્થ વેચવા આવેલા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા.
78,000નું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
અહીંના મેઘપર બોરીથી શિવધારા સોસાયટી નજીક રોડ પાસે ઊભેલો શખ્સ કિશનકુમાર કારમાં આવી
માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી હતી. આ સોસાયટી પાસે પહોંચી કારમાં
સવાર કિશનકુમાર બિજલારામ મકવાણા (મેઘવાળ) (રહે. મહેશ્વરીનગર, ગાંધીધામ- મૂળ બાડમેર) નામના
શખ્સને ઝડપી લેવાયો હતો. આ શખ્સના પેન્ટની તપાસ કરાતાં તેમાં કોથળીમાંથી સફેદ પીળાશ
પડતો પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) હોવાનું પકડાયેલા
કિશનકુમારે કહ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં આ પદાર્થ
એમ.ડી. જ હોવાનું બહાર આવ્યું હતું. તેણે આ પદાર્થ રાજસ્થાનના કૈલાસ બિશ્નોઇ પાસેથી
લીધું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 78,000નો 26 ગ્રામ માદક પદાર્થ, નંબરપ્લેટ વગરની બલેનો કાર, મોબાઇલ,
રોકડ રકમ મળીને કુલ રૂા. 5,88,150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.