ભુજ, તા. 3 : લખપત તાલુકાના આશાપરમાં સુરતાજી હઠેસિંહજી સોઢાનું
હૃદય બંધ થવાથી મૃત્યુ થયું હતું. આમાં પવનચક્કી નાખવા મુદ્દે માનસિક ત્રાસ થકી આ આશાપરના
ખેડૂતનું મોત થયાની ફરિયાદ રાજકીય અગ્રણી સહિત ચાર સામે નોંધાઇ છે. આ બનાવ અંગે આજે
દયાપર પોલીસ મથકે મૃતકના ભાઇ વિરાજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના સુરતાજીની માલિકીની
જમીન મોટા ભાડરા સર્વે નં. 265/23 પૈકી
24વાળી આવેલી છે. જે જમીનમાં સુઝલોન કંપનીએ પવનચક્કીનો
પાયો ખોદતાં નુકસાન થતાં તા. 16-6-26ના
મામલતદારને ફરિયાદ અરજી આપી હતી, પરંતુ આ કામના આરોપી વીરભદ્રસિંહ મહેશોજી સોઢા (રહે. મૂળ
કંકાવટી હાલે નખત્રાણા) અને તેના પિતા મહેશોજી રાણાજી સોઢા (રહે. નખત્રાણા) તેમજ નરપતસિંહ
ભમરાજી ચૌહાણ, ભમરાજી હીરજી ચૌહાણ (રહે. બન્ને આશાપર)એ દબાણ કરતાં
અને માનસિક ત્રાસ આપી ધાકધમકી કરી હાલમાં પવનચક્કીનો પાયો બળજબરીથી ભર્યો હતો. તા.
2-11ના સુરતાજી તેની જમીન પર ગયા ત્યાં આરોપી વીરભદ્રસિંહ
અને નરપતસિંહ સાથે બોલાચાલી કરી ગાળો આપી ધાકધમકી કરી માનસિક ત્રાસ કરતા હોવાનું ભૂરુભા
સોઢા (આશાપર)એ સાંભળ્યું હતું. આ અંગે ભૂરુભાએ ફરિયાદીને જાણ કરતાં તે તથા અન્યો જમીન
પર ગયા ત્યાં સુરતાજી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જાણ કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું
હતું. ફરિયાદના આધારે દયાપર પોલીસે ચારે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 351 (2), 296 (બી) અને 54 મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. - મૃતકે પાંચ મહિનાથી કહ્યું કે, મને ધાકધમકી અપાઇ રહી છે : દયાપર (તા. લખપત), તા. 3 : લખપત તાલુકાના આશાપર ગામમાં સુરતાજી હઠેસિંહજી
સોઢાનું ગઈકાલે મૃત્યુ થયું હતું. જેનું પોસ્ટમોર્ટમ કરાતાં હૃદય બંધ થઈ જવાથી મોત
થયું હોવાનું બહાર આવ્યું હતું. ગામના લોકો તથા સગા-સંબંધીઓએ આવવાનું કારણ પવનચક્કીનો
પ્રશ્ન હોઈ તેની સામે કાર્યવાહી થાય પછી જ લાશ લઈ જવાનો આગ્રહ કર્યો હતો. આશાપરના સરદારસિંહ
સોઢા, પ્રભાતસિંહ
સોઢા, ભમરાજી સોઢા વિગેરેએ જણાવ્યું હતું કે, મૃતક છેલ્લા પાંચ મહિનાથી સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. તેમનાં ખેતરના શેઢે
પવનચક્કી આવતાં તે બાબતે વારંવાર રજૂઆતો કરી છે અને પવનચક્કી કંપનીના માણસો ધાક-ધમકી આપતા હોવાનું પણ અરજીમાં જણાવ્યું હતું.
ગઈકાલે પણ ખેતર પર ગયા હતા અને ત્યાં જ હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જણાવી પોલીસે
પવનચક્કી કંપની સામે એફ.આઈ.આર. નોંધી. ત્યારબાદ લાશ લઈ જવાની વાત કરતાં મોટી સંખ્યામાં
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થયા હતા. આ બાબતે પી.આઈ. શ્રી પટેલનો સંપર્ક કરતાં
નો રિપ્લાય આવ્યો હોતાં વધુ માહિતી જાણી શકાઈ નહોતી. જો કે, પોલીસે ફરિયાદ લઇ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતાં સંબંધીઓએ
લાશ સ્વીકારી હતી.