ભુજ, તા. 14 : ગઇકાલે રાત્રે શહેરના સ્ટેશન
રોડ ઉપર કાર અને બાઇકની ટક્કરથી બોલાચાલી બાદ કારચાલક હોટેલ મેનેજર યુવાન હોટેલ જતાં ત્યાં આ મામલે ટોળું ધસી આવ્યું હતું અને તીક્ષ્ણ
હથિયારો સાથે પ્રાણઘાતક હુમલો કરી હોટેલના કાચના દરવાજા તથા કારના કાચ તોડી નુકસાન
કર્યાનો ચકચારી બનાવ બન્યો હતો. આ હુમલા અંગે ભીડ ગેટ બહાર સરવામંડપ વિસ્તારમાંની ઓઢવ હોટેલના મેનેજર
જીત પ્રકાશભાઇ મોડે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે રાત્રે તે તથા નિશાંત બારોટ તેઓની
સ્વિફટ કાર નં. જી.જે.-12- એફ.સી.-3172વાળી લઇને ઓઢવ હોટેલથી લઇ સ્ટેશન
રોડ બાજુ એસ.બી.આઇ. બેન્ક આગળ આવતાં સામેથી આવતી સ્પ્લેન્ડર બાઇક સાથે ટક્કર થતાં બાઇક
પર સવાર ઓસમાણ નૂરમામદ મણકા, હબીબ
રહીમ નાગડા તથા અન્ય એક અજાણ્યા શખ્સ સાથે બોલાચાલી થતાં ફરિયાદી પોતાની ગાડી લઇ હોટેલ
પર આવી ગયો હતો. જ્યાં નાઇટ શિફટમાં કામ કરતો તેનો કાકાઇ ભાઇ અવિનાશ હાજર હતો. ફરિયાદી
પોતાની ગાડી પાર્ક કરતો હતો ત્યાં જ આ ત્રણે જણ ઊભા હતા અને અવિનાશને નીચે પાડી દઇ
ધકબૂસટનો માર મારતા હતા. આથી ફરિયાદી તુરંત કારમાંથી ઊતરી છોડાવા ગયા હતા. આસપાસના
લોકો વચ્ચે પડતાં ત્રણે બાઇક મૂકી નાસી ગયા હતા. દશેક મિનિટ બાદ ઓસમાણ નૂરમામદ મણકા,
હબીબ રહીમ નાગડા, હમજા નૂરમામદ મણકા, નૂરમામદ ઓસમાણ મણકા, અર્શદ નૂરમામદ મણકા તથા બીજા ચારથી
પાંચ જણ રિક્ષા અને એક્ટિવાથી હાથમાં ધારિયા, લાકડી અને છરી જેવા
તીક્ષ્ણ હથિયારો સાથે આવી ગાળાગાળી કરી પ્રાણઘાતક હુમલો કરતાં વચ્ચે ઊભેલા અને સમજાવા
જતાં હિતેશભાઇને કોઇએ માથાંમાં ધારિયું ફટકાર્યું હતું. આ બાદ ટોળાંએ હોટેલના દરવાજાના
કાચ તથા કારના કાચ તોડી નુકસાન પહોંચાડયું હતું.
એટલામાં લોકો એકત્ર થઇ જતાં આ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. હિતેશભાઇને સારવાર તળે ખસેડાયા
છે. પોલીસે મહાવ્યથા સહિતની વિવિધ કલમો તળે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ
ધરી છે. દરમ્યાન હમજા મણકાને સામા પક્ષવાળાએ ધારિયું મારતાં ઘાયલ થતાં સારવાર અર્થે
જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં આ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરી
હતી.