• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ભુજ એરપોર્ટ રિંગરોડ ફરી લોહિયાળ : લોકોના ચક્કાજામ

ભુજ, તા. 13 : શહેરમાં ભારેખમ અને તોતિંગ વાહનોની બેફામ અવરજવરના કારણે સર્જાતી અકસ્માતની ઘટનાઓના પગલે નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે. શહેરના એરપોર્ટ  રિંગરોડ પર ભારે વાહનની હડફેટે ગુરુવારે રાત્રે દિવ્ય રાજેશભાઈ મોતાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે આજે સતત બીજા દિવસે બનેલી અકસ્માતની ઘટનામાં અલ્તાફ રફીક નોડે (ઉ.વ. 17) કિશોરનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું.  અવારનવાર બનતી જીવલેણ ઘટનાઓના પગલે આ વિસ્તારના લોકો રોષે ભરાયા હતા અને હિલગાર્ડન ચાર રસ્તા પર મોટી સંખ્યામાં ઊતરી પડવા સાથે ચક્કાજામ કર્યો હતો અને આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વાહનોને પસાર નહીં થવા દેવાય તેવી માંગ સાથે રસ્તા પર બેસી ગયા હતા. જો કે, પોલીસની ખાતરી બાદ માર્ગ ખુલ્લો કરાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ગુરુવારે યુવાન દિવ્ય પોતાની બાઈક લઈને ડી-માર્ટ  તરફ જઈ રહ્યો હતો, ત્યારે ત્રિમંદિર નજીક પહોંચતાં જીજે 12 ઈક્યુ 3293વાળી ટ્રકે પાછળથી ટક્કર મારી હતી, જેમાં દિવ્ય પટકાયો હતો અને યુવકના પગના ભાગે ટ્રકના આગળના ટાયર ફરી વળ્યા હતા, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની શત્રક્રિયા કરાઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક નાસી છૂટયો હતો. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, આ જ માર્ગ પર સર્જાયેલા વધુ એક અકસ્માતે યુવાનનો ભોગ લીધો હતો. હતભાગી અલ્તાફ તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો, ત્યારે છત્રીસ ક્વાર્ટર ચોકડી પાસે પહોંચતાં અજાણ્યા ટ્રકચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતાં બંને યુવાનને ટક્કર મારી હતી. ટ્રકની હડફેટે આવી ગયેલો અલ્તાફ ગંભીર રીતે ઘવાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર આશિફ સુલ્તાન લંગા ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર હેઠળ રખાયો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. - રોષે ભરાયેલા લોકો રસ્તે : પોલીસની ખાતરી બાદ દેખાવો સમેટાયા : ભુજ, તા. 13 : શહેરના એરપોર્ટ રિંગરોડ પર છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓના પગલે આ વિસ્તારમાં આવેલી રહેણાક સોસાયટીઓ પૈકી સહયોગનગર, ટોપહિલ સોસાયટી, રોટરી સોસાયટી, નરનારાયણનગર, કારીતાસ, લાભ-શુભ સોસાયટી સહિતના સેંકડો રહેવાસીઓ સ્વયંભૂ માર્ગ પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. મામલાની ગંભીરતાં જોતાં બનાવસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક અસરથી માર્ગ પર સુચારુ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાની ધરપત આપતાં માર્ગ ખાલી કરાયો હતો અને શનિવારે જો પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરાય તો ફરી રાત્રે આઠ વાગ્યે ચક્કાજામ સહિતનાં પગલાં લેવાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હોવાનું ડિગુભા જાડેજા, હિરેન રાઠોડ સહિતના રહીશોએ જણાવ્યું હતું. 

Panchang

dd