ગાંધીધામ, તા. 6 : પૂર્વ કચ્છના વાગડ પંથકમાં
શ્રદ્ધાના સ્થળ એવા મંદિરો પણ સુરક્ષિત રહ્યાં નથી. છેલ્લા કેટલાક સમયથી નિશાચરો મંદિરોને
નિશાન બનાવી રહ્યાં છે તેવામાં ભચાઉ તાલુકાના કંથકોટમાં આવેલા ગોગા મહારાજનાં બે મંદિરોનાં
તાળાં તોડી તસ્કરોએ રૂા. 1,90,000ના
આભૂષણોની ચોરી કરી હતી. વધતા જતાં આવા બનાવોથી લોકોમાં રોષની સાથે ચિંતાની લાગણી પ્રસરી
છે. ભચાઉ તાલુકાના ઘરાણામાં થોડા દિવસ અગાઉ જ નિશાચરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો
જેમાં હજુ સુધી પોલીસને સફળતા મળી નથી. તેવામાં વધુ એક ચોરીનો બનાવ બનતાં ભારે ચકચાર
પ્રસરી છે. ભચાઉ તાલુકાના કંથકોટમાં આવેલા બે મંદિરોનાં તાળાં નિશાચરોએ તોડયાં હતાં.
ગામમાં ખટાણા પરિવારના ગોગા મહારાજના મંદિરમાં ચકુભાઇ દેવા રબારી ગઇકાલે સાંજે આરતી
કરી મંદિરને તાળાં મારી ઘરે ગયા હતા ત્યારે આજે સવારે આવતાં મંદિરનાં તાળાં તૂટેલાં
જણાયાં હતાં. વાતની જાણ કરાતાં ગ્રામજનો એકઠા થયા હતા. આ મંદિરમાં ભાવિકોએ ચડાવેલ જૂના
નાગમણિ આશરે 300 તથા ચાંદીનું છત્તર નજરે પડયું
નહોતું. આ મંદિરમાંથી નિશાચારોએ રૂા. 1,20,000ના આભૂષણોની ચોરી કરી હતી. તેમજ નાંગસ પરિવારના ગોગા મહારાજનાં
મંદિરમાં આજે સવારે પૂજા-આરતી કરતા રસિકભાઇ રબારી આવતાં આ મંદિરના પણ તાળાં તૂટેલાં
જણાયાં હતાં. અહીં ચડાવેલ નાગમણિ તથા ચાંદીના નાના મોટા 35 જેટલા છત્તર તથા એક સોનાનું
છત્તર એમ રૂા. 70,000ના ભગવાનના આભૂષણોની ચોરી થઇ
હતી. બે મંદિરોમાંથી ચોરીના આ બનાવ અંગે વિભાભાઇ કરશન રબારી (ખટાણા)એ સામખિયાળી પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘરાણા મંદિરચોરી બાદ ગઇકાલે સવારે ભચાઉમાં શિક્ષક દંપતીનાં
ઘરમાં ચોરી અને આજે સવારે કંથકોટમાં બે મંદિરોમાંથી ચોરીના બનાવને પગલે વાગડ પંથકમાં
કાયદો વ્યવસ્થા અંગે પ્રશ્નો ખડા થયા હતા. ઉપરાઉપરી ચોરીના બનાવો બની રહ્યા છે તેની
સામે જોઇએ તેવી સફળતા પોલીસને નથી મળી રહી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની
માંગ ગ્રામજનોએ કરી હતી.