ગાંધીધામ, તા. 6 : આદિપુરના વોર્ડ 3-બી વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરાયેલ રૂ.
30 લાખની કારની નિશાચરોએ ચોરી
કરી હતી. આદિપુરમાં આવેલા વોર્ડ 3-બીના પ્લોટ
નંબર 45 પાસેથી ચોરીનો આ બનાવ બન્યો
હતો. મૂળ રાજસ્થાનના મનોહરસિંહ આયરદાન ચૌધરીએ દિલ્હીથી કાર નંબર આર.જે.-04-ટી.એ.- 7332વાળી ખરીદી હતી. આ ફરિયાદી
પોતાની આ કાર જે.એસ.ડબલ્યુ. સોલાર કંપનીમાં ચલાવતા હતા. દોઢ મહિના અગાઉ જ આ કાર ખરીદી
કરવામાં આવી હતી. ગત તા. 4/7ના રાત્રે
ફરિયાદી યુવાન ઘરે આવી ઘરની બહાર કાર પાર્ક કરી સૂઇ ગયો હતો. બીજા દિવસે સવારે જાગતાં
રાત્રે બે વાગ્યે આ કાર સામખિયાળી ટોલ નાકાથી પસાર થઇ હોવાનો મેસેજ તેને આવ્યો હતો.
બહાર જઇને જોતાં તેની કાર ગુમ હતી. નિશાચરો ગમે તે રીતે તેની કારના દરવાજા ખોલી, કાર ચાલુ કરીને રૂા. 30 લાખનું આ વાહન હંકારી ગયા હતા.
બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.