• શનિવાર, 19 એપ્રિલ, 2025

મેઘપર (બો.)ના વેપારીનાં ખાતાંમાંથી 24.76 લાખ ઠગબાજોએ કાઢી લીધા

ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર એક વેપારીના બેંક ખાતાંમાંથી ઠગબાજોએ કોઇ રીતે રૂા. 24,76,000 ઓનલાઇન કાઢી લઇ છેતરપિંડી આચરી હતી. મેઘપર બોરીચીના ભાગીરથ નગરમાં રહેનાર ફરિયાદી કમલેશ જગદીશ તિવારી નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-3માં તિવારી ઇમ્પેક્સ ટિમ્બર નામની લાકડાંની પેઢી ચલાવે છે. આ પેઢીનું બેંક ખાતું વેલસ્પન પાસે આવેલી આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં કાર્યરત છે. ફરિયાદી અને તેમના પુત્ર ગત તા. 8/4ના પડાણા ખાતે આવેલા બેન્સામાં લાકડાં જોવા ગયાં હતાં ત્યારે આ આધેડ ફરિયાદીને તેમની પેઢીના બેંક ખાતાંમાંથી રૂા. 4,90,000 કપાઇ ગયાનો મેસેજ આવતાં તેમણે તરત બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને પોતે કોઇને ચેક કે એ.ટી.એમ. આપ્યા નથી છતાં ખાતાંમાંથી પૈસા કેમ કપાઇ ગયા છે, મારું ખાતું બ્લોક કરી નાખો તેવી વાત કરી રહ્યા હતા તેવામાં બીજા ચાર મેસેજ આવ્યા હતા જેમાં રૂા. 4,98,000, 4,97,000, 4,96,000, 4,95,000 કપાઇ ગયા હતા. ફરિયાદીએ તરત જ પોતાનો ફોન સ્વીચઓફ કરી બીજા નંબરથી બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો અને બેંકમાં જઇને પોતાનું ખાતું બ્લોક કરાવી નાખ્યું હતું. બાદમાં તેમણે ઓનલાઇન ફરિયાદ કરવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી. ઠગબાજોએ ગમે તે રીતે આ વેપારીનાં ખાતાંમાંથી રૂા. 24,76,000 ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd