ગાંધીધામ, તા. 17 : શહેરની ડી.એલ.બી. કોલોની પાસે
કિશોરીનું અપહરણ કરી અડપલાં કરવાના કેસમાં
અહીંની કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો
આપ્યો હતો. બીજી બાજુ મુંદરાના મોટી તુંબડીમાં ગાંજાની ખેતી કરનાર શખ્સને આઠ વર્ષની
સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. શહેરની ડીએલબી કોલોની પાસે વર્ષ 2022માં અપહરણ, અડપલાંનો આ બનાવ બન્યો હતો. આરોપી દિનેશ પૂનમ
મહેશ્વરી (એડિયા)એ 14 વર્ષીય એક
કિશોરીનું અપહરણ કરી તેની સાથે અડપલાં કર્યાં હતાં,
જે અંગે કિશોરીના પરિવારજનોને જાણ થતાં આ શખ્સને ઠપકો આપવામાં આવ્યો
હતો, ત્યારે આ આરોપીએ ભોગ બનનાર, ફરિયાદી,
તથા અન્યોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગાંધીધામ
એ- ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ
તપાસ પૂરી થતાં અને પૂરતા પુરાવા હોવાથી અહીંની વિશેષ પોક્સો કોર્ટમાં તેની સામે ચાર્જશીટ
રજૂ કરવામાં આવી હતી. અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ન્યાયાધીશ એ.એમ. મેમણ સમક્ષ
આ કેસ ચાલી ગયો હતો, જેમાં દસ્તાવેજી પુરાવા, બન્ને પક્ષની દલીલો બાદ આ આરોપીને ન્યાયાધીશે તકસીરવાન ઠેરવ્યો હતો અને તેની
જુદી-જુદી બે કલમમાં ત્રણ વર્ષની સખત કેદ તથા કુલ રૂા. 20,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો
ચુકાદો આપ્યો હતો તેમજ દંડની રકમમાંથી ભોગ બનનારને રૂા. 15,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો. દંડની
રકમ ન ભરે તો આ શખ્સને વધુ કેદનો હુકમ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ
એસ. જી. રાણાએ હાજર રહીને તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી. બીજી બાજુ મુંદરાના મોટી તુંબડી
રહેતા નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ જાડેજાને સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ 2022માં આ શખ્સે મોટી તુંબડીમાં
ગાંજાની ખેતીનું વાવતેર કર્યું હતું. એસઓજીએ આ શખ્સને પકડી પાડી તેની પાસેથી જીવંત છોડ 494 નંગ તથા વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના પાંદડાનો 7.544 કિલો જથ્થો અને એક મોબાઈલ એમ
કુલ 5,81,300નો મુદ્દામાલ હસ્તગત કર્યો
હતો. આ શખ્સ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેની વિરુદ્ધ ભુજની પાંચમા અધિક વિશેષ જજની
કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જ્યાં આ કેસ ચલી ગયો હતો. કેસ દરમ્યાન 25 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીને તપાસવામાં આવ્યા હતા.
બન્ને પક્ષની દલીલો બાદ ન્યાયાધીશ વી.પી. શાહએ આ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને
તેને જુદી-જુદી કલમો તળે કુલ 8 વર્ષની સખત
કેદ તથા કુલ રૂા. એક લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર
તરફે સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહીને ધારદાર દલીલો કરી હતી.