ભુજ, તા. 15 : રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન
માનકૂવા પોલીસે કેરામાં શંકાસ્પદ હિલચાલ સાથે સ્વીફ્ટ કારમાંના ત્રણ શખ્સને ઝડપી ગાડી
તપાસતાં તેમાંથી ઘરફોડ ચોરી કરવાના સાધનો મળ્યાં હતાં. આમ, કેરામાં ચોરીને અંજામ અપાય તે પહેલાં જ તેઓને
દબોચી લીધા હતા. વધુમાં તેઓની પૂછતાછ થતાં બે-અઢી માસ પૂર્વે બળદિયામાં એનઆરઆઇના બંધ
મકાન નિશાન બનાવ્યાનું ખૂલતાં આ ચોરીનો ભેદ ઉકેલી રૂા. 13,55,000નો મુદ્દામાલ પોલીસે હસ્તગત
કર્યો હતો. આ અંગે માનકૂવા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પી.આઇ. એસ.એમ. રાણાનાં માર્ગદર્શન
મુજબ એ.એસ.આઇ. જિજ્ઞેશભાઇ અસારી, હે.કો.
મહેશભાઇ વાળા રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન કેરાના ઘોડા સર્કલ પાસે સ્વીફ્ટ કારમાં શંકાસ્પદ
હિલચાલ માલૂમ પડતાં તેની તલાશી લેતાં તેમાંથી ઘરફોડ ચોરીના સાધનો મળી આવતાં ત્રણ આરોપી
અજિતસિંહ ઉર્ફે અજુભા ચનુભા જાડેજા (રહે. મુંદરા મૂળ કોટડા જ.), આસિફ ઇશાક થોડિયા (નાના કાદિયા) અને હનીફ આદમ જાગોરા (કોટડા જ.)ને ઝડપી લીધા
હતા. આ ત્રણે આરોપીની માનૂકવા પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું
કે, કેરામાં કોઇ બંધ મકાન મળે તો ચોરી કરવાના હતા. બેથી અઢી માસ
પૂર્વે બળદિયામાં એનઆરઆઇના બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી રોકડ અને મોબાઇલ ફોન વગેરેની
ચોરી તેઓ ત્રણ ઉપરાંત અન્ય એક આરોપી બનુભા તેજમાલજી જાડેજા (રહે. કોટડા જ.) ચારે મળી
કરી હોવાની કબૂલાત કરી હતી. માનકૂવા પોલીસે ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન અને ચોરીમાં
ગયેલો મુદ્દામાલ એમ કુલ રૂા. 13,55,000નો મુદ્દામાલ હસ્તગત કરી બળદિયા ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો અને
ચોથા આરોપી બનુભાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ ચારે આરોપી રીઢા ગુનેગાર છે. તેઓ
વિરુદ્ધ જુગાર, શરાબ તેમજ ચોરી સંબંધિત
ગુના પોલીસ મથકે અગાઉ ચડેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે કાર, બે બાઇક, ત્રણ મોબાઇલ અને ચોરીના સાધનો જપ્ત કર્યા હતા.