મુંબઈ, તા. 29 : ક્રિકેટ-આઈપીએલના ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિનો
રેલો હવે કચ્છ બાજુ પહોંચ્યો છે. મની લોન્ડરિંગને લગતા ફેરપ્લે કેસ સંલગ્ન મુંબઈ, ગુજરાત
અને કચ્છ સહિત આઠ સ્થળે તલાશી અભિયાન હાથ ધરાયું હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે
મંગળવારે જારી કર્યું હતું. ઈડીની તપાસમાં આ ગંભીર ગુનામાં ક્રિશ લક્ષ્મીચંદ શાહને
મુખ્ય સૂત્રધાર મનાઈ રહ્યો છે. ગત 25-10ના હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઈડીએ રોકડ, બેંક
ભંડોળ, રૂા. ચાર કરોડની ચાંદી સહિતની જંગમ સંપત્તિ, સંવેદનશીલ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો
તથા મિલકત સંબંધી દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. મુંબઈમાં નોંધાયેલી ફરિયાદના આધારે
કરાયેલી કાર્યવાહીમાં ફેરપ્લે સ્પોર્ટસ એલએલસી અને તેની સહયોગી કંપનીઓ દ્વારા એક નેટવર્ક
ઊભું કરીને કામ કરાતું હતું, જેણે વાયકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડને રૂા. 100 કરોડથી
વધુનું નુકસાન કર્યું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કચ્છની કેટલીક આંગડિયા પેઢીમાં
દરોડા પડાયા હતા, જેમાં ફેરપ્લેને સંબંધી નાણાકીય વ્યવહારો કરવા કોના દ્વારા પૈસા મોકલાયા હતા તે બાબતે કડક પૂછપરછ હાથ ધરાઈ
હતી અને મહત્ત્વના દસ્તાવેજો અને સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો મેળવાઈ હતી. નોંધનીય
છે કે, ગત જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ ઈડીએ અનેક સ્થળે દરોડા પાડયા હતા,
જેમાં લગભગ 113 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. અત્યાર સુધી આ મામલામાં કુલ રૂા.
117 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.