ગાંધીધામ, તા.
22 : મધ્યપ્રદેશના કિશોરને અહીં બોલાવી તેની પાસેથી છ લાખ પડાવી ગોંધી રાખવાના પ્રકરણમાં
બાદમાં કિશોરે ઝેરી ગોળી ખાઇ લીધી હતી. આ બનાવમાં પોલીસે તપાસ હાથ?ધરી ચીટર ગેંગના
પાંચ સાગરિતને પકડી પાડયા હતા. આ શખ્સોના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. મધ્યપ્રદેશના
ઇંદોરના દેવાંશ નામના કિશોર સાથે ફેસબૂક ઉપર મિત્રતા કેળવી એકના ત્રણગણા કરી આપવાની
લાલચ આપી તેને અંજાર બોલાવાયો હતો. ત્રણ લાખ આપ્યા બાદ ટોળકીએ વધુ ત્રણ લાખ માગ્યા
હતા, છ લાખ
લઇ લીધા
બાદ કિશોરને ગોંધી રાખવામાં આવ્યો હતો. બાદમાં તેને મુક્ત કરાયો હતો. તણાવમાં રહેલા
આ કિશોરે ઝેરી દવાની ગોળીઓ ખાઇ લેતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. બનાવ અંગે ભોગ
બનનારના માતા પૂનમબેન વિનોદ સુગવાણી (સિંધી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે
જુદી જુદી ટીમો બનાવી મુખ્ય સૂત્રધાર સુલેમાનશા ઉર્ફે બાબા મામદશા શેખ તથા કાર્તિક
પટેલનું ખોટું નામ ધારણ કરનાર સમીર હુસેન લાલશા શેખ, રાજદીપસિંહ જાડેજાનું ખોટું નામ
ધારણ કરનાર મામદ હનીફ ઉર્ફે ઇકબાલ અલીમામદ શેખ, મનોજ પટેલનું ખોટું નામ ધારણ કરનાર
કેસા ઉર્ફે બાપા ભીમા ચૌધરી તેમજ અલીઅકબર હુસેનશા શેખ નામના શખ્સોને પકડી પાડયા હોવાનું
પત્રકાર પરિષદને સંબોધતાં પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું. આ શખ્સોએ ક્યાંકથી
ખોટા આધારકાર્ડ, ઓળખપત્રો બનાવી સોશિયલ મીડિયા પર લોકો સાથે મિત્રતા કેળવી તેમને એક
કા ત્રણ કરવાની લાલચ આપી બાદમાં લોકો પાસેથી પૈસા પડાવી લેતા હતા. પકડાયેલા આ શખ્સો
પાસેથી રોકડ રૂા. 4,40,500, છ મોબાઇલ તથા બનાવટી આધારકાર્ડ વગેરે હસ્તગત કરાયું હતું.
આ શખ્સોને કોર્ટમાં રજૂ કરાતાં તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. સુલેમાન વિરુદ્ધ
અગાઉ મારામારી, બળાત્કાર, છેતરપિંડી સહિતના 10 ગુના નોંધાયેલા છે. કેસા ચૌધરી વિરુદ્ધ
ગાંધીધામમાં છેતરપિંડી, દારૂના ગુના નોંધાયેલા છે. આવી ચીટર ગેંગ દ્વારા કોઇપણ રીતે
ભોગ બનેલ હોય અને આર્થિક નુકસાન થયું હોય તો કોઇપણ ભય વગર આવા તત્ત્વો વિરુદ્ધ કાયદેસરની
કાર્યવાહી કરવા અંજાર પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના
જ ઇંદોરમાં રહેતા ત્રિવેણીશ્વર મહાદેવ મંદિરમાં પૂજાપાઠ કરતા ફરિયાદી નરેન્દ્ર પવનકુમાર
ત્રિપાઠીને પણ આ શખ્સોએ શિકાર બનાવ્યો હતો. સોશિયલ મીડિયા થકી તેમની મિત્રતા કેળવી
અંજારમાં અડધી કિંમતમાં સોનું અપાવવાની લાલચ આપી હતી. બાદમાં પાંચ લાખ સાથે અંજાર બોલાવી
15 લાખ આપવાની વાત કરી પાંચ લાખ લઇને નાસી ગયા હતા. ફરિયાદી અહીંથી પરત ન જતાં બાદમાં
તેમને ત્રણ લાખ પરત આપી દેવાયા હતા. બનાવ અંગે સુલેમાન બાબા તથા રમન પટેલ, મનોજ પટેલ,
મયૂર પટેલ, અમિત પટેલ ખોટું નામ ધારણ કરનારા શખ્સો તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો
નોંધાયો હતો.