• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ભીમાસરમાં બે શખ્સે આઠ વાહનની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના ભીમાસરમાં ભાગીદાર તથા હિસાબનું કામ સંભાળનારા કામદારે મળીને ટ્રાન્સપોર્ટના આઠ વાહન બારોબાર પોતાના નામે કરી લેતાં આ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી. ભીમાસરમાં રહેનારા રાજેશ ધરમશી હુંબલે ગત તા. 5-10-2023ના અંજાર પોલીસ મથકે બનાવ અંગે લેખિત અરજી કરી હતી અને ગઇકાલે રાત્રે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદી અને તેના ભાગીદાર ગામના જ રાજેશ રવજી ઔદિચ્યએ 2018માં સત્યમ રોડલાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચાલુ કરી હતી, જેમાં હિસાબોનું કામ રાજેશ ઔદિચ્યનો બનેવી મુકેશ વેલજી મઢવી સંભાળતો હતો. આ પેઢીમાં ફરિયાદીનાં 12 વાહન તથા એક ક્રેટા ગાડી ચાલતી હતી. દરમ્યાન ફરિયાદી કામ અર્થે ગીર-સોમનાથ ખાતે રહેવા ગયા હતા. બાદમાં ત્યાંથી પરત આવી આ બંને પાસેથી હિસાબ માગતાં તેમણે સરખો જવાબ આપ્યો ન હતો, જેથી શંકા જતાં તેમના વાહનો કારગીલ કંપનીમાં ચાલતાં હોવાથી ત્યાં જઇને તપાસ કરતાં આ શખ્સોએ પેઢીનું નામ બદલીને સત્યમ લોજિસ્ટિક કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું તેમજ આર.ટી.ઓ. કચેરીમાં જઇને તપાસ કરતાં સાત ટેન્કર અને એક કાર મુકેશ વેલજી મઢવીના નામે થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું, જેથી ફરિયાદીએ આ આરોપીઓને વાત કરતાં તારાં પાંચ જ વાહન છે, જે જોઇએ તો લઇ જવા જણાવ્યું હતું. આ શખ્સોએ ટી.ટી.ઓ. ફોર્મમાં ફરિયાદીની ખોટી સહી કરી તેને સાચા તરીકે આર.ટી.ઓ. કચેરી અંજારમાં રજૂ કરી આ વાહનો પોતાના નામે કરી લીધાં હતાં. છેતરપિંડી, વિશ્વાસઘાતના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang