• શનિવાર, 20 એપ્રિલ, 2024

બોસ્ટનમાં ઘરમાં આગ લાગતાં ગાંધીધામનાં વૃદ્ધા ભડથું

ગાંધીધામ, તા. 22 :  બોસ્ટન યુકેમાં ગાંધીધામનો પરિવાર જે ઘરમાં રહેતો હતો તે ઘરમાં  મધરાત્રીના આગજનીના બનાવમાં વૃધ્ધા 73 વર્ષીય પુષ્પાબેન અંબવાની ભડથું થઈ ગયાં હતાં. બનાવના પગલે સંકુલ અને સિંધી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. હતભાગી વૃદ્ધાના ભાઈ  મુકેશ અંબવાનીએ જણાવ્યું હતું કે ગત તા. 21ના મધરાત્રીના અરસામાં આગ અકસ્માતનો બનાવ બન્યો હતો.  પરિવારજનો નિંદ્રાધીન હતા અને અરસામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભુકી  ઉઠી હતી. પિતા અને પુત્ર ઘરની બહાર નીકળી  જવામાં સફળ રહ્યા હતા જયારે  હતભાગી વૃધ્ધા આગ વધુ પ્રસરી ગઈ હોવાથી નીકળી શકયા હતાં. આગમાં ભડથું થઈ જતા તેમનું મોત નીપજયું હતું. પરિવારજનોની નજર સામે બનેલા બનાવના પગલે ભારે અરેરાટી  પ્રસરી હતી. ગાંધીધામ સ્થિત તેમના પરિવારજનોએ   દુર્ઘટના અંગે ગઈકાલે સાંજે જાણ થતા શોકની લાગણી પ્રસરી હતી. વૃધ્ધાના પિતા  સ્વ.અજીતરાય અંબવાણી જિલ્લા તિજોરી કચેરીમાં જયારે તેમના ભાઈ રાજુ અંબવાણી ઈફકોમાં અને મુકેશ અંબવાણી પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા હતા. આગની ઝપટમાં આખું ઘર આવી જતા ભારે નુકસાની થઈ હતી. તેઓ 12 વર્ષથી બોસ્ટન ખાતે સ્થાયી થયાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang