• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

વિપક્ષી વિરોધ વચ્ચે જી રામ જીને લોકસભાની બહાલી

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 18 : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી એક્ટ (મનરેગા)ના સ્થાને વિકસિત ભારત-જી રામ જી વિધેયક આજે સવારે જ લોકસભામાં વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે પસાર કરાયું હતું. આ વિધેયક વિસ્તૃત વિચારણા માટે  સ્થાયી સમિતીને મોકલવામાં આવે એવી માગણી સાથે વિપક્ષોએ વિરોધ કર્યો હતો. વિપક્ષોએ ભારે હોબાળા વચ્ચે ગૃહની મધ્યમાં આવીને વિધેયકની કૉપી ફાડીને કાગળો ઉછાળ્યા હતા. આનાથી નારાજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આ વિધેયક ઉપર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઇ ચૂકી છે. હવે આ બિલ રાજ્યસભામાં મુકાશે. આ પહેલા કૉંગ્રેસ તરફતી પ્રિયંકા ગાંધી વાડરા, ડીએમકેના કે ટીઆર બાલુ અને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સહિતના વિપક્ષના સાંસદોએ વિધેયકનો વિરોધ કર્યો હતો. વિપક્ષોએ કહ્યું હતું કે આ વિધેયકમાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ રાષ્ટ્રપિતાનું અપમાન છે. ઉપરાંત વિપક્ષનું કહેવું છે કે આ નવું વિધેયક રાજ્યો ઉપર નવો આર્થિક બોજ લાદશે. લોકસભામાં વિધેયક પ્રસ્તુત કરનારા કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જવાબમાં કૉંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું હતું કે કૉંગ્રેસે પોતાના શાસનકાળમાં તમામ યોજનાઓ માત્ર નેહરૂના નામે ચલાવી અને હવે એનડીએ સરકાર ઉપર સવાલો કરી રહી છે. કેન્દ્ર સરકારને નામ બદલવાનો શોખ છે, એવા પ્રિયંકા ગાંધી વાડરાના નિવેદન ઉપર ચૌહાણે કહ્યું હતું કે નામ બદલવાનો શોખ તો વિપક્ષને છે, મોદી સરકાર માત્ર કામ ઉપર ધ્યાન આપે છે. ચૌહાણે કૉંગ્રેસ ઉપર આક્ષેપમારો બોલાવતા કહ્યું હતું કે મનરેગા ભ્રષ્ટાચારનું માધ્યમ હતી, નવું વિધેયક તમામ સંબંધીત પક્ષો સાથે ચર્ચા-વિચારણા બાદ લાવવામાં આવ્યું છે. જો કે ચૌહાણના જવાબથી વિપક્ષ સંતુષ્ટ નહોતો અને કેટલાકં સાંસદો વેલમાં ઘૂસી ગયા હતા અને અધ્યક્ષની સામે વિધેયકનો વિરોધ કરવામાં વિધેયકની કૉપી ફાડવામાં આવી હતી. નારાજ બિરલાએ વિપક્ષોને ઠપકો ાપતા કહ્યું હતું કે લોકોએ તમને અહીં કાગળો ફાડવા નથી મોકલ્યા, આખો દેશ તમને જોઇ રહ્યો છે. ધ્વનીમતથી સરકારે લોકસભામાં આ વિધેયક પારિત કરાવીને અધ્યક્ષે એને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત કરી હતી અને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી હતી. અધ્યક્ષની ગૃહ સ્થગનની જાહેરાતથી આજે થનારી પ્રદૂષણ સંબંધી ચર્ચા મોકૂફ રાખવી પડે એમ હતી. શાસક અને વિપક્ષ બંને ગૃહમાં હોબાળા સંબંધે એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા તેથી અધ્યક્ષે ગૃહ મોકૂફીની ઘોષણા કરી હતી. જો કે પ્રિયંકા ગાંધી પ્રદૂષણ ઉપર પોતાનું ભાષણ તૈયાર કરીને આવ્યા હતા અને બપોર બાદ ગૃહમાં પ્રદૂષણ સંબંધી ચર્ચા થવાની ધારણા હતી.  સદનની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષ આ વિધેયકનો જોરદાર વિરોધ કરશે. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ આ વિધેયક વાંચે તો પણ સમજી શકે છે કે ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના હવે ખતમ થઇ રહી છે. સરકારનું નવું વિધેયક રાજ્યો ઉપર આર્થિક બોજ નાખનારૂં છે અને રાજ્ય સરકારો આર્થિક ભીંસમાં છે. મનરેગા ગરીબો માટે સહાયરૂપ છે, જ્યારે નવું વિધેયક ગરીબ વિરોધી છે. ગૃહમાં કૉંગ્રેસ અને વિપક્ષના નારાઓના જવાબમાં શિવરાજ સિંહે કહ્યું હતું કે ગાંધીજીના નામે આંસુ વહાવનારા વિપક્ષે યાદ રાખવું જોઇએ કે ગાંધીજીએ તો એમ પણ કહ્યું હતું કે સ્વતંત્રતા મળી ગઇ છે હવે કૉંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઇએ. ગાંધીજીનું સૂચન હતું કે કૉંગ્રેસના બદલે લોક સેવક સંઘ બનાવવો જોઇએ. પરંતુ નેહરૂજીએ સત્તા ઉપર કબજો કરવા અને  સ્વતંત્રતાની ચળવળનો લાભ લેવા માટે કૉંગ્રેસનો ભંગ ન કર્યો. ગાંધીજીના આદર્શોની હત્યા તો કૉંગ્રેસે ત્યારે જ કરી નાખી હતી. જ્યારે આ દેશનું વિભાજન કરાયું, ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે પણ ગાંધીજીના આદર્શોની હત્યા થઇ હતી. મોદી સરકારે તો નરેગાને સારી રીતે અમલ કરવા માટે કામ કર્યું છે. આમ છતાં એમાં કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવા માટે આ નવું વિધેયક લાવવામાં આવ્યું છે.  નવું વિધેયક શા માટે સરકાર લાવી એ સંબંધે શિવરાજ સિંહે કહ્યું હતું કે રાજ્યો વચ્ચે અપેક્ષા પ્રમાણે નાણાની વહેંચણી થતી નહોતી. મનરેગામાં અન્ય કેટલીક અડચણો પણ હતી જેમાં 60 ટકા રકમ મજૂરી માટે અને 40 ટકા રકમ યોજનાઓની કાચી સામગ્રી માટે હતી પરંતુ સામગ્રી ઉપર તો માત્ર 26 ટકા રકમ ખર્ચાઇ હતી. મનરેગાને જાણે કે ભ્રષ્ટાચારને હવાલે કરી દેવામાં આવી હતી.   

Panchang

dd