રાપર, તા. 18 : તાલુકાનાં આડેસરથી પસાર થતી
ગાગોદર બ્રાંચ કેનાલ પરથી નીકળતી આડેસર માઈનોર કેનાલમાં રિપેરિંગ અને પાણી છોડવાની
બાબતે ખેડૂતો દ્વારા અનેક વખત અને મુખ્યમંત્રી કચેરી સુધી લેખિત-મૌખિક રજૂઆતો અને ફરિયાદો
કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી થતી નથી. માઈનોર કેનાલનું રિપેરિંગ કામ
કાગળ પર પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં કેનાલ તૂટેલી હાલતમાં છે, પાઇપલાઇન નુકસાન
પામેલી છે અને એક પણ વખત સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું નથી. હાલ રવીપાક અને પશુઓ
માટે ચારાનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી તેને તાત્કાલિક પાણીની જરૂર છે. પાણીનાં
અભાવે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર
અને રાજ્ય સરકાર પાસે આડેસર માઈનોર કેનાલના રિપેરિંગના કામની તાત્કાલિક તકનીકી તપાસ
કરાવી, જવાબદાર અધિકારીઓની ભૂમિકા નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં
આવે અને તરત જ પિયત માટે પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં
આવી હતી. ગાગોદર કેનાલમાં પાણી બરાબર મળી રહે તે માટે ગાગોદર થોરિયારી સહિત કાંઠાપટ્ટીનાં
આગેવાનો ધારાભાઈ ભરવાડ, રતનાસિંહ રાજપુત, તેજાભાઈ કોલી, પાંચાભાઈ કોલી, ગાંગજીભાઈ
કોલી, અશ્વિન ઠક્કર, વિનોદ પટેલ વગેરેએ
ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાને રજૂઆત કરી હતી.