• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

`માંડવી-મસ્કત વચ્ચેનો સમુદ્ર, દોસ્તીનો મજબૂત બ્રિજ'

નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ સઇદ સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમ્યાન ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ વેપાર સંધિ હેઠળ કાપડ, કૃષિ પેદાશો, ચામડાંની ચીજો સહિત 98 ટકા સામાન ઓમાનને નિકાસ કરતી વખતે સંપૂર્ણ કરમુક્ત રહેશે. દરમ્યાન ભારત-ઓમાન બિઝનેસ ફોરમને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું કે, આ સમિટ ભારત-ઓમાન ભાગીદારીને નવી દિશા અને ગતિ આપશે. તેમણે કહ્યું કે, માંડવી અને મસ્કત વચ્ચેનો અરબી સમુદ્ર દ્વિપક્ષીય સંબંધોનો મજબૂત પુલ બની રહ્યો છે. આ અવસરે ઓમાન સરકારે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરાયા હતા. આ મોદીનું 28મું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે. ઓમાન સાથે મુક્ત વેપાર કરાર થવાથી ભારતના વત્ર, ચામડા, જૂતા, રત્ન-આભૂષણ, ઇજનેરી ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ પેદાશો, દવાઓ, તબીબી સાધનો, વાહનોની નિકાસને પ્રોત્સાહન મળશે. કેન્દ્ર સરકારના જણાવ્યાનુસાર આ વેપાર સંધિથી ભારતમાં રોજગારની તકો પણ વધશે. કારીગરો, મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને પણ મજબૂતી મળશે. આ છેલ્લા છ મહિનામાં ભારતનો બીજો મુક્ત વેપાર કરાર છે. મે-2022માં અખાતી સહયોગ પરિષદ (જીસીસી)ના એક અન્ય સભ્ય દેશ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) સાથે પણ આવી જ સમજૂતી કરાઇ હતી. નાણાકીય વર્ષ 2024-25માં ઓમાન સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર લગભગ 10.5 અબજ ડોલર હતો, જેમાંથી આયાત 6.54 અબજ ડોલર, નિકાસ ચાર અબજ ડોલર જેટલી હતી. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ભારત-ઓમાન બિઝનેસ ફોરમને સંબોધતાં જણાવ્યું હતું કે, વેપાર કરારથી કાપડ, ફૂડ પ્રોસેસિંગ, વૈકલ્પિક ઊર્જા સહિતનાં ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે. ગોયલે ખાડી સહયોગ પરિષદ (જીસીસી) પૂર્વ યુરોપ, મધ્ય એશિયા અને આફ્રિકાના પ્રવેશદ્વારનાં રૂપમાં ઓમાનને રણનીતિક અને મહત્ત્વપૂર્ણ લેખાવ્યું હતું, જે ભારતીય વ્યવસાયોને શ્રેષ્ઠ બજાર પૂરી પાડે છે. મુક્ત વેપાર સંધિ પર હસ્તાક્ષર પૂર્વે ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે આ કરાર આવનારા અનેક દાયકા સુધી બેય દેશના સંબંધોની દિશા નક્કી કરશે. ભારત-ઓમાન બિઝનેસ સમિટને સંબોધતા વડાપ્રધાને ઓમાનના સ્ટાર્ટઅપ્સને ભારતમાં રોકાણ કરવા, નવા પ્રયોગો કરવાની અપીલ કરી હતી. મુક્ત વેપાર કરારનો ઐતિહાસિક ફેંસલો 21મી સદીમાં ભારત અને ઓમાનને નવી ઊર્જા આપશે. રોકાણને નવો આત્મવિશ્વાસ મળશે અને દરેક ક્ષેત્રોમાં નવા અવસરોના દ્વાર ખૂલશે, તેવું મોદીએ જણાવ્યું હતું. 

Panchang

dd