રાપર, તા. 18 : તીખી તાસીર અને એક ઘા ને બે
કટકા કરવામાં માનતા વાગડમાં 'જર જમીન
અને જોરૂ, ત્રણેય કજિયાનાં છોરૂ' કહેવત
મુજબ સૌથી વધુ ઝઘડા અને ખૂન ખરાબા જમીન માટે જ થયા છે ત્યારે હાલમાં જ બહાર આવેલ ભીમદેવકા
અને ફૂલપરાના ખેતીની જમીન માલીકોની જાણ બહાર
વેંચી નાંખવા મામલે અસરગ્રસ્તોએ પોલીસ મથકે
આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી
હતી. 161 કિસાનોની 800 એકર જમીન આ લોકોની જાણ બહાર
કે કોઈ સંમતિ વિના સાટા કરાર કરી સોલાર પ્લાન્ટ માટે વેચસાટનો મામલો બહાર આવ્યો હતો
જે અંગે આજે જેમની જમીન તેમની જાણ બહાર વેચી નાખવામાં આવી છે તેવા ખેડૂતો અને અન્ય
રાજકીય સામાજિક આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે ગાગોદર પોલીસ મથકે આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ થોરીયારી, ગાંધીધામ, જુના કટારીયા
અને શિકારપુરનાં ચાર શખ્સોએ ભેગા મળી આવા અરજદારોની 800 એકર જમીન એકર દીઠ 461000 માં વેચવાનો સોદો કર્યો હતો
અને સોદા પેટે એડવાન્સ રકમ પણ લઈ લીધી હતી અને આટલા બધા ખેડૂતોની જમીનનાં વેચાણ અંગેનાં
કરાર પણ ગત તા. 19-7-2025 નાં
ભચાઉનાં એક નોટરી પાસે કરાવ્યાં હતાં. આ તમામ બાબતોથી અજાણ આ અરજદારોએ આ કરોડોનાં કૌભાંડમાં
સંડોવાયેલા તમામ જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય
છે કે આ અગાઉ નાનાં રણમાં આ જમીનનાં ઝઘડામાં શ્વેત રણ રક્તવર્ણુ બની ચૂક્યું છે જવાબાદાર
તંત્રોએ બેધ્યાનપણું દાખવતા હવે ભૂમાફિયાઓ રણથી આગળ વધીને વસ્તી વાળા વિસ્તાર સુધી પહોંચીને સોલાર જમીનો પચાવીને બારોબાર સોદા કરી રહ્યા છે ત્યારે
તંત્ર દ્વારા આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવે તેવું ખેડૂતો સહિત જમીન ધારકો
ઈચ્છી રહ્યા છે. ગામમાં સાર્વજનીક પ્લોટો પણ દબાવાઈ દેવાયા હોવાનું જાણકારો ચિંતિત સ્વરે જણાવી રહ્યા છે. જો આમ માલિકની જાણ બહાર જમીનો વેચાઈ જશે તો વાગડમાં
જમીન લે વેચ કરતાં બહાર વસતાં વાગડવાસીઓ સાત વાર વિચારશે તેમ હાઈવે પટ્ટીનાં એક પીઢ
રાજકારણીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું. ગામના ખેડૂતો, સાથે, દજાભાઈ સુરાણી,
અરાવિંદભાઈ સુરાણી, ઉપસરપંચ ખીમાભાઈ કોળી સમાજ
અગ્રણી નાનજીભાઈ ભલાણી, કરસન જગા ભૂત, એડવોકેટ
સુરેશભાઈ મકવાણા વિગેરે જોડાયા હતાં.