ભુજ, તા. 18 : માસ્ટર્સ ટેનિસ એકેડેમી ભુજના પ્રતિભાશાળી ખેલાડી તીર્થ દોશી અને તેમની મનીપાલ યુનિવર્સિટીના સાથી ખેલાડીઓએ ખેલો ઇન્ડિયા હરીફાઇમાં રાષ્ટ્રીય સ્તરે સાતત્યપૂર્ણ રમતનું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવેલ છે. તીર્થે કલિંગા ઇન્સ્ટિટયૂટ સામેની ફાઇનલ્સની પ્રથમ સિંગલ્સમાં 6-7, 2-6ની લડત આપ્યા બાદ સાથી ખેલાડીઓએ પણ હિંમતપૂર્વક રમત બતાવી હતી અને તીર્થની મનીપાલ યુનિ.ની ટીમે રજત જીત્યો હતો. તીર્થએ પહેલી સેમિફાઇનલમાં સાવિત્રીબાઇ ફૂલે યુનિ.ના પાર્થ દેવરુખાકર સામે 7-6 (8-6), 6-0થી જીત મેળવી હતી. તીર્થ ટેનિસની રમતનું કૌશલ્ય અને રણનીતિક સજ્જતા એમટીએના હેડકોચ એલેક્સ ગોમ્સ અને રેન્કિંગ પ્લેયર યોગેશ જોશી પાસેથી મેળવે છે.