ગાંધીધામ, તા. 18 : શિણાય નર્મદા કેનાલ નજીક કટ
ઉપર બસે મોપેડને હડફેટમાં લેતાં બલવેશ ઉર્ફે મારખી ઉકાભાઇ વાઘેલા (ઉ.વ. 23)નું મોત થયું હતું. બીજીબાજુ
ભચાઉના કંથકોટમાં ધીંગા ડાયાભાઇ કોળી (ઉ.વ. 46)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તેમજ અંજારના નિંગાળમાં ફાંસો ખાધા
બાદ શ્વાસની તકલીફ થતાં સારવારમાં રહેલા રાજા જેઠાભાઇ મહેશ્વરી (ઉ.વ. 59)એ છેલ્લા શ્વાસ લીધા હતા. શિણાય
કેનાલ પાસે રોડના કટ પાસે ગઇકાલે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જામનગરના પડાણાનો બલવેશ
ઉર્ફે મારખી નામનો યુવાન સાવરણા વેચવા અહીં આવ્યો હતો. તે અંજારના વિજયનગરથી શિણાય
બાજુ મોપેડ લ્યુના નંબર જી.જે. 12 ઇ.સી. 4005 લઇને ગયો હતો, ત્યાં નર્મદા કેનાલ પાસે માર્ગ ઓળંગતી વખતે
બસ નંબર જી.જે. 12 બી.એક્સ.
4715એ મોપેડને હડફેટે લેતાં આ યુવાનને
ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને
મૃત જાહેર કર્યો હતો. બસચાલક આત્મારામ મૂળજી ચાવડા સામે સંજય ઉકા વાઘેલાએ પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ કંથકોટમાં રહેનાર ધીંગાભાઇ કોળી 16/12ના મંદિરેથી સવારે પૂજા કરીને
ક્યાંક નીકળી ગયા હતા. બાદમાં ગામના ડુંગર પર વૃક્ષમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ
પોતાનો જીવ દીધો હતો. તેમજ નિંગાળમાં રહેતા રાજાભાઇ મહેશ્વરીએ અગમ્ય કારણોસ જંતુનાશક
દવા પી લઇ બાદમાં ફાંસો ખાવાની કોશિશ કરી હતી. તેમને સારવાર અર્થે અંજારની હોસ્પિટલમાં
લઇ જવાયા હતા, ત્યાંથી રજા મળતાં ઘરે
પરત આવ્યા હતા. બાદમાં શ્વાસની તકલીફ થતાં ભુજની હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.